Loading Please Wait !!!
સુરેન્દ્રનગર મનપામાં 'નોટા'નો દબદબો: 1774 મતદારોને એકપણ ઉમેદવાર ન ગમ્યો

  • વોર્ડ નંબર 8 માં નોટા ગેમ ચેન્જર સાબિત થયો; ઉમેદવારની 3 મતે જીત સામે 106 મતો નોટામાં પડ્યા
  • 136 ઉમેદવારો મેદાનમાં હોવા છતાં 1700થી વધુ લોકોએ નકારાત્મક મતાધિકાર વાપર્યો
  • 2021ની સરખામણીએ નોટાના મતોમાં ઘટાડો, છતાં રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય.

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામોમાં સૌથી ચોંકાવનારી વિગત 'નોટા' (NOTA) ના મતોની સામે આવી છે. શહેરના 13 વોર્ડમાં ચૂંટણી લડતા કુલ 136 ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવાર 1,774 મતદારોને પસંદ પડ્યો નથી. ખાસ કરીને વોર્ડ નંબર 8 માં નોટાએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જ્યાં ઉમેદવારની જીતની સરસાઈ કરતા નોટાના મતોની સંખ્યા અનેકગણી વધારે જોવા મળી છે.

    ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2021 થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નોટાના બટનની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ મતદારોને જો કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગે તો નકારાત્મક મત આપવાનો અધિકાર આપવાનો હતો. વર્ષ 2021 ની સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાની ચૂંટણીમાં 2,197 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. તેની સરખામણીએ વર્ષ 2026 ની મનપાની આ ચૂંટણીમાં નોટાના મતોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તેની અસર પરિણામો પર સ્પષ્ટ જોવા મળી છે.

    આ વખતે મનપાની ચૂંટણીમાં વોર્ડ વાઈઝ આંકડા જોઈએ તો, સૌથી વધુ નારાજગી વોર્ડ નંબર 7 માં જોવા મળી હતી, જ્યાં રેકોર્ડબ્રેક 199 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું. જ્યારે સૌથી ઓછો નોટાનો આંકડો વોર્ડ નંબર 4 માં 92 મતો નોંધાયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે જનતા હવે ઉમેદવારોની પસંદગી બાબતે વધુ જાગૃત અને કડક બની રહી છે. જો પક્ષો યોગ્ય ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે તો જનતા તેમને નકારતા ખચકાશે નહીં.

    સૌથી રસપ્રદ કિસ્સો વોર્ડ નંબર 8 માં જોવા મળ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર ગજાનંદભાઈ ચૌહાણની માત્ર 3 મતે જીત થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ વોર્ડમાં 106 મતદારોએ નોટામાં મતદાન કર્યું છે. જો આ 106 મતોમાંથી માત્ર 4 મતો પણ વિરોધ પક્ષને મળ્યા હોત, તો પરિણામ કંઈક અલગ હોત. આમ, નોટાએ આ બેઠક પર હાર-જીતના સમીકરણોમાં અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો છે અને જીતેલા ઉમેદવાર માટે આ પાતળી સરસાઈ ચિંતાનો વિષય બની છે.

    રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે 1,774 મતદારોની નારાજગી એ મુખ્ય પક્ષો માટે લાલબત્તી સમાન છે. 26 એપ્રિલના રોજ થયેલા મતદાનની ગણતરીમાં જ્યારે 136 ઉમેદવારો મેદાનમાં હોય અને છતાં આટલી મોટી સંખ્યામાં લોકો નોટા પર મહોર મારે, તેનો અર્થ એ છે કે મતદારો સ્થાનીક નેતાગીરીથી સંતુષ્ટ નથી. આગામી સમયમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વધુ ગંભીરતા દાખવવી પડશે, નહીંતર નોટાનો આ આંકડો ભવિષ્યમાં વધુ મોટા ઉલટફેર સર્જી શકે છે.