મદુરાઈના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરની ૬૦ કરોડની જમીન હડપવાનો મામલો સામે આવ્યો!
-
ખોટા દસ્તાવેજો અને નકલી ટ્રાન્સફર દ્વારા જમીન કબ્જે કરવાના કાવતરા બદલ ૧૯ લોકો સામે FIR!
-
૧૯૩૦ના વસિયતનામાના નિયમોનું ઉલ્લંઘન કરીને જમીન મોર્ગેજ અને વેચાણ કરવાના પ્રયાસો!
-
મદુરાઈ સિટી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાની ફરિયાદના આધારે હાથ ધરાઈ તપાસ!
સિટી ન્યુઝ @ મદુરાઈ
મદુરાઈ, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ મદુરાઈ મીનાક્ષી મંદિર સાથે સંકળાયેલા એક ચેરિટેબલ ટ્રસ્ટની અંદાજે ૬૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી ૧.૭૯ એકર જમીન નકલી દસ્તાવેજોના આધારે હડપ કરી લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણે મદુરાઈ સિટી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા કુલ ૧૯ લોકો વિરુદ્ધ સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. આરોપીઓ પર જમીનના નકલી ટ્રાન્સફર, રજીસ્ટ્રેશન અને મોર્ગેજ ટ્રાન્ઝેક્શન કરીને મંદિરની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો જમાવવાનું મોટું કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ મંદિરના સંયુક્ત કમિશનર અને કાર્યકારી અધિકારી સેલ્લાદુરઈ તેમજ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા 'અરાપોર ઇયક્કમ' દ્વારા કરવામાં આવેલી સંયુક્ત ફરિયાદના આધારે થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૯૩૦માં નોંધાયેલા વસિયતનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અશોક વિલાસ બંગલો અને તેની સાથેનો બગીચો મીનાક્ષી સુંદરેશ્વર મંદિર તથા અલગાર મંદિરના ટ્રસ્ટની સંપત્તિ છે, જેને માત્ર લીઝ પર જ આપી શકાય છે પરંતુ તેના વેચાણ કે મોર્ગેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં, તત્કાલીન અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર રીતે પટ્ટા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
કાનૂની કાર્યવાહી અને તપાસ
કોર્ટના સ્પષ્ટ પ્રતિબંધ અને સ્ટે હોવા છતાં સબ-રજિસ્ટ્રાર કાળ્યાલયોની મદદથી મોર્ગેજ ડીડ રજીસ્ટર કરાવવાના આ કેસમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ આગળની તપાસ ચાલી રહી છે.