વડાપ્રધાન મોદીએ તોડ્યો રેકોર્ડ: ભારતના સૌથી લાંબા કાર્યકાળ વાળા વડાપ્રધાન બન્યા
- 4,399 દિવસની સફળ સફર પૂર્ણ, જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો
- સતત ત્રણ વાર જનાદેશ સાથે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા
- સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે રાષ્ટ્રનિર્માણની યાત્રા વધુ મજબૂત
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. પોતાના કાર્યકાળના 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. આ સાથે તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને લોકશાહી ઢબે પ્રચંડ જનાદેશ સાથે સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરનાર નેતા તરીકેનું સ્થાન હાંસલ કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશ-વિદેશમાંથી તેમને અભિનંદનનો વર્ષા થઈ રહી છે, જેમાં અમેરિકન દૂત સર્જિયો ગોરે પણ તેમના મજબૂત નેતૃત્વની વિશેષ પ્રશંસા કરી છે.
આ સિદ્ધિના અવસરે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે." ૨૬ મે, 2014ના રોજ પ્રથમવાર પદ સંભાળ્યા બાદથી તેમણે વર્ષ 2019 અને 2024ની સામાન્ય ચૂંટણીઓમાં સતત પ્રચંડ જનાદેશ મેળવ્યો છે. સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકેનું તેમનું નેતૃત્વ દેશની આર્થિક, સામાજિક અને રાજદ્વારી સિસ્ટમને નવી દિશા આપી રહ્યું છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશે આત્મનિર્ભર ભારત તરફ મજબૂત કદમ માંડ્યા છે. રાષ્ટ્ર નિર્માણના સમર્પણ અને 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર સાથે સરકારે અનેકવિધ સુધારાઓ અમલી બનાવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠામાં તેમના નેતૃત્વની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. નેહરુ અને ઇન્દિરા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના કાર્યકાળની સરખામણીએ, મોદીનું આ શાસન લોકતાંત્રિક રીતે મેળવેલા સતત અને સ્થિર જનાદેશનું સશક્ત પ્રમાણ બની ગયું છે.
રેકોર્ડ અને નેતૃત્વની નવી ઓળખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યકાળ ભારતીય લોકશાહીમાં એક સીમાચિહ્ન સમાન છે. નેહરુનો કાર્યકાળ પ્રથમ સામાન્ય ચૂંટણી પૂર્વેના વર્ષોનો પણ સમાવેશ કરતો હતો, જ્યારે મોદીએ સતત જનસમર્થનથી આ રેકોર્ડ પાર કર્યો છે. 12 વર્ષના આ શાસનમાં પ્રચંડ જનાદેશ સાથે દેશનું સુકાન સંભાળનાર મોદીએ જનસેવાને સર્વોપરી ગણીને એક આધુનિક રાષ્ટ્રના નિર્માણનો સંકલ્પ સાકાર કર્યો છે. આ સિદ્ધિ તેમના વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય દ્રષ્ટિની મજબૂતી દર્શાવે છે.