નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો
નેહરુનો રેકોર્ડ તૂટ્યો, કેબિનેટ તાળીઓથી કર્યું સ્વાગત
સિટી ન્યૂઝ/નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય રાજનીતિમાં એક નવો ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપશે. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડને પાછળ છોડીને ભારતના સૌથી લાંબો સમય ‘સળંગ ચૂંટાયેલા’ વડા પ્રધાન બનશે. નરેન્દ્ર મોદી આજે ૧૦ જૂને વડા પ્રધાન તરીકે સળંગ ૪૩૯૯ દિવસ પૂરા કરશે, જ્યારે નેહરુ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી ૧૯૫૨ની ૧૩ મેથી ૧૯૬૪ની ૨૪ મે સુધી સળંગ ૪૩૯૮ દિવસ આ પદ પર રહ્યા હતા.
નરેન્દ્ર મોદી ૨૦૧૪ની ૨૬ મેએ પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા અને હાલમાં તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં સેવા આપી રહ્યા છે. આ પૂર્વે જુલાઈ ૨૦૨૫માં તેમણે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના સળંગ ૪૦૪૪ દિવસના કાર્યકાળના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. નરેન્દ્ર મોદી સતત ત્રણ લોકસભાની ચૂંટણી જીતનારા અને બે પૂર્ણ બહુમતીવાળો કાર્યકાળ પૂરો કરનારા દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન છે.
આ અગાઉ આ જ વર્ષે માર્ચમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન તરીકેનો ૮૯૩૧ દિવસનો સંયુક્ત કાર્યકાળ પૂરો કર્યો ત્યારે તેમણે સળંગ શાસનનો સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે વડા પ્રધાન તરીકેના કુલ કાર્યકાળની દૃષ્ટિએ જવાહરલાલ નેહરુ હજી પણ ૬૧૩૧ દિવસ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં વિવિધ મંદિરોમાં સાંજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મહાઆરતીમાં સહભાગી બનશે. મંદિરોમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના થશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળનાં ૧૨ વર્ષ પૂરાં થવાના અવસરે તેમના વતન વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે તેમના સુખમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે નાગરિકો દ્વારા પ્રાર્થના કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવનારા આ કાર્યક્રમમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે તેમજ સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ ધૂન યોજાશે અને એ પછી મહાઆરતી ઉતારવામાં આવશે જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે અને મહાઆરતીમાં ભાગ લેશે.
મોદી દેશના સૌથી લાંબા કાર્યકાળવાળા ચૂંટાયેલા પીએમ
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ થી ૧૩ મે ૧૯૫૨ સુધી કુલ ૧૭૩૨ દિવસ પીએમ રહ્યા. ત્યારબાદ ૧૯૫૨માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ. કોંગ્રેસ સત્તામાં આવી. સંસદીય દળે નેહરુને પોતાના નેતા તરીકે પસંદ કર્યા. ત્યારબાદ નેહરુ ૧૩ મે ૧૯૫૨ થી ૨૪ મે ૧૯૬૪ સુધી સતત ચૂંટાયેલા પીએમ રહ્યા. આ કાર્યકાળ ૪૩૯૮ દિવસનો રહ્યો હતો. આ રીતે ચૂંટાયેલા પીએમ તરીકે મોદી નેહરુથી આગળ નીકળી ગયા છે.
| વડાપ્રધાન | કાર્યકાળ | દિવસ |
|---|---|---|
| નરેન્દ્ર મોદી | 26 મે 2014 થી અત્યાર સુધી | 4,399 |
| જવાહરલાલ નેહરુ | 13 મે 1952 થી 27 મે 1964 | 4,398 |
| ઇન્દિરા ગાંધી | 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977, 14 જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોબર 1984 | સતત 4,078 |
| મનમોહન સિંહ | 22 મે 2004 થી 26 મે 2014 | સતત 3,656 |
| અટલ બિહારી વાજપેયી | વિવિધ કાર્યકાળ | સતત 1,682 |