જૂનાગઢના દોમડીયા વાડી રોડ પર મસમોટા ખાડાઓથી મંગળ ગ્રહ જેવી સ્થિતિ, ૩૦૦ વાર ફરિયાદ છતાં મનપા નિષ્ક્રિય!
-
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર-૧૪ના દોમડીયા વાડી વિસ્તારમાં સ્થાનિક તંત્રની ભારે બેદરકારી સામે આવી છે.
-
આ માર્ગ પર હાર્ટ હોસ્પિટલ, બેંકો અને સંસ્થાઓ આવેલી હોવાથી રોજના હજારો લોકો અવરજવર કરે છે.
-
રોડ ચાર-ચાર વખત ખોદીને છોડી દેવાતા અને પથ્થરો નાખાતા અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ, તા. ૨૫ જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલા વોર્ડ નંબર-૧૪ના દોમડીયા વાડી વિસ્તારમાં સ્થાનિક મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મહત્વના વિસ્તારમાં હાર્ટ કેસ હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગો, ત્રણથી વધુ બેંકો અને વિવિધ સંસ્થાઓ આવેલી છે, જ્યાં અવારનવાર સામાજિક પ્રસંગો યોજાય છે અને રોજના હજારો લોકો પસાર થાય છે. પરંતુ હાલમાં આ રોડ પર અસંખ્ય મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પાણી ભરાયા છે, જેના કારણે અહીં અબૂહૂબ મંગળ ગ્રહ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે.
આ ખાડા અને રસ્તા પર નાખવામાં આવેલા મોટા પથ્થરોના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અને ખાસ કરીને હાર્ટ હોસ્પિટલે આવતા ગંભીર દર્દીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે અને અવારનવાર ઇજાગ્રસ્ત બની રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડને ચાર-ચાર વખત ખોદવામાં આવ્યો અને ત્યારબાદ વરસાદ આવતા માત્ર મોટા પથ્થરો નાખી દેવાયા, જે હાલ અકસ્માતનું મુખ્ય કારણ બન્યા છે.
આ રોડ નજીક રહેતા એડવોકેટ પ્રશાંત વ્યાસે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓ પોતે 'જૂનાગઢ 311' એપ્લિકેશનમાં છેલ્લા ૩૬૫ દિવસમાંથી ૩૦૦ વાર દરરોજ સવારે ઓનલાઈન ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં આજદિન સુધી કોઈ સંતોષકારક જવાબ કે કામગીરી કરવામાં આવી નથી. તેમણે વેધક સવાલ કરતા જણાવ્યું કે, "ચંદ્ર પર પાણી શોધવા કરતાં આ ધરતી પરના પાણીના ખાબોચિયા દૂર કરાય તો સારું." છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ થી વધારે વાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડ્યો નથી અને જો આ જ સ્થિતિ રહી તો સ્થાનિકોને મિલકતો વેચીને હિજરત કરવાનો વારો આવશે.
બીજી તરફ, આ રસ્તા પરથી પસાર થતાં રીક્ષા ચાલક કાંતિભાઈ સોલંકીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે ખરાબ રસ્તાના કારણે રોજના માંડ ૫૦૦ રૂપિયા કમાણી સામે રીક્ષા રિપેરિંગ પાછળ ૫૦૦૦ રૂપિયા ખર્ચવા પડે છે, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી છે.
પ્રજાકીય સુવિધાઓ અને વહીવટી ઉદાસીનતા
વિકાસના દાવાઓ વચ્ચે સ્થાનિક નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાય ત્યારે પ્રજામાં ફેલાતો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી ઠરે છે.