RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ: ચોથા રાઉન્ડ બાદ 5000થી વધુ બેઠકો ખાલી
- વાલીઓએ પસંદગી ન દર્શાવતા ખાનગી શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ વણવપરાયેલી રહી
- ચોથા રાઉન્ડમાં માત્ર 978 બાળકોને પ્રવેશ મળ્યો, હવે નવો રાઉન્ડ નહીં યોજાય
- 1.50 લાખથી વધુ અરજીઓ હોવા છતાં વાલીઓએ ચોક્કસ સ્કૂલોમાં રસ ન દાખવ્યો
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. આજે યોજાયેલા ચોથા અને અંતિમ રાઉન્ડમાં ઓનલાઈન બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. આ રાઉન્ડમાં નવા 978 બાળકોને વિવિધ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જોકે, આ ચોથા રાઉન્ડની પ્રવેશ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ રાજ્યભરમાં હજુ 5097 જેટલી બેઠકો ખાલી રહી ગઈ છે, જે હવે આગામી શૈક્ષણિક વર્ષ માટે ખાલી જ રહેશે.
સામાન્ય રીતે RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઉપલબ્ધ બેઠકો કરતા ત્રણથી ચાર ગણા વાલીઓની અરજીઓ આવતી હોય છે. આ વર્ષે પણ રાજ્યની 9700 થી વધુ ખાનગી શાળાઓની 25 ટકા ક્વોટા મુજબની 83 હજારથી વધુ બેઠકો સામે 1.50 લાખ કરતા વધુ વાલીઓની અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. તેમ છતાં, અનેક શાળાઓમાં વાલીઓએ પોતાની પસંદગી (Choice) ન આપવાના કારણે ચાર-ચાર રાઉન્ડના અંતે પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી ગઈ છે. ત્રીજા રાઉન્ડ પછી 6075 બેઠકો ખાલી હતી, જેના માટે ચોથો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગની યાદી અનુસાર, ચોથા રાઉન્ડ માટે 73,093 વાલીઓએ પુનઃ પસંદગી આપી હતી, જ્યારે 27,239 વાલીઓએ પોતાની અગાઉની ચોઈસ યથાવત રાખી હતી. હવે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, તેમના વાલીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં સંબંધિત શાળાએ રૂબરૂ જઈને જરૂરી દસ્તાવેજો સબમિટ કરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. આ રાઉન્ડ બાદ હવે ખાલી રહેલી બેઠકો ભરવા માટે સરકાર દ્વારા કોઈ નવો રાઉન્ડ યોજવામાં આવશે નહીં અને આ પ્રક્રિયા અહીં જ પૂર્ણ જાહેર કરાઈ છે.
શિક્ષણનો અધિકાર અને વાલીઓની માનસિકતા
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો સરકારનો હેતુ છે. પરંતુ હજારો બેઠકો ખાલી રહેવી એ દર્શાવે છે કે વાલીઓ માત્ર પસંદગીની કે પ્રતિષ્ઠિત શાળાઓમાં જ પ્રવેશ મેળવવા ઈચ્છે છે. અંતરિયાળ કે નાની શાળાઓમાં બેઠકો ખાલી રહેવા પાછળ વાલીઓનો ભૌગોલિક અનુકૂળતા અને શાળાની ગુણવત્તા પ્રત્યેનો અભિગમ મુખ્ય જવાબદાર પરિબળ તરીકે સામે આવ્યો છે.