બાળકીની છેડતીનો ગુનો નોંધાતા રાજકોટના યુવકનો ઝેર પી આપઘાત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના મવડી રોડ ઓમનગર પાસે સરદારનગરમાં રહેતાં વિશાલ રામભાઈ વાળા (ઉ.વ.૨૮) નામના યુવાન પર તેના મૂળ વતન સુત્રાપાડાના ટીંબડી ગામે તેર વર્ષની બાળાની છેડતીના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવતાં આ કારણે માઠું લાગી જતાં ટીંબડી ગામે પોતાની વાડીમાં ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાન પરિણીત હતો અને વિધવા માતાનો આધારસ્તંભ હતો. ઓમનગર સર્કલ સરદારનગરમાં રેહતાં વિશાલ વાળાએ ગત ૨૫/૫ના રોજ ટીંબડી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં કોડીનાર ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિનર્જીમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ આજે વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી.ગઇકાલે વિશાલને સિવિલમાં દાખલ કરાયો ત્યારે સુત્રાપાડા પોલીસ મથકના પી.આય. ચૌહાણે વિશાલના માતા રાજુબેન રામભાઈ વાળા (ઉ.વ.૫૫)નું નિવેદન નોંધ્યું હતું. રાજુબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો વિશાલ છે, તેના પત્નિનું નામ સંતોષબેન છે. હું, વિશાલ અને સંતોષ રાજકોટમાં રહીએ છીએ.
વિશાલ ટ્રેક્ટરની કંપનીમાં નોકરી કરતો હતો. ગત ૨૩/૫ના રોજ હું, વિશાલ અને તેની પત્નિ સંતોષબેન એમ ત્રણેય અમારા વતન સુત્રાપાડાના ટીંબડી ગામે ગયા હતાં. જ્યાં પહોંચ્યા બાદ સાંજે વિશાલે કહેલું કે હું સગાના ઘરે જાઉ છું અને રાત ત્યાં રોકાઈશ. બાદમાં બીજે દિવસે ૨૪મીએ વિશાલ તેના કાકા સાથે જમીન સહિતને લગતા કામ માટે ગયો હતો. સાંજે આઠેક વાગ્યે તે ઘરે પરત આવી સુઈ ગયો હતો. ૨૫મીની સવારે પાંચેક વાગ્યે અમર સગાના દિકરાનો મને ફોન આવેલો કે વિશાલ ક્યાં છે? જેથી મેં તેને ઘરે સુતો છે તેમ કહ્યું હતું. બાદ સાડા પાંચેક વાગ્યે સગાનો દિકરો સહિતના લોકો ટીંબડી મારા ઘરે આવ્યા હતાં અને વિશાલનું કામ છે કહી તેને ઉઠાડીને લઈ ગયા હતાં. એ પછી સવારે દસેક વાગ્યે અમારી વાડીના ભાગીયા જયેશભાઈએ મને ફોન કરી કહેલું કે વાડીએ વિશાલે દવા પી લીધી છે. જેથી હું, મારા ભત્રીજા સહિતનાએ તાકીદે વાડીએ પહોંચી વિશાલને કોડીનાર હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિનર્જીમાં દાખલ કર્યો હતો. અહિ પોલીસે મારા દિકરાનું નિવેદન લીધું ત્યારે પુત્રવધુ સંતોષબેન હાજર હતાં. મારા દિકરાને ૩૦મીએ સિનર્જીમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડ્યો હતો. અહિ મારા પુત્રવધુને પૂછતાં તેણીએ કહેલું કે-વિશાલ વિરૂદ્ધ તેર વર્ષની બાળાની છેડતીનો ખોટો આરોપ મુકી દેવાયો હોઇ જેના કારણે તેને લાગી આવતાં તેણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી છે. તેમ વધુમાં વિશાલના માતા રાજુબેને જણાવ્યું હતું. સુત્રાપાડા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે વિશાલનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.