ગંગા સફાઈ અભિયાન હેઠળના એસટીપીમાંથી નીકળતો કીચડ હવે બન્યો મોટું પર્યાવરણીય સંકટ!
-
શહેરોની સીવેજ સાફ કરી ગંગામાં છોડવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં સ્લજ નીકળે છે.
-
ઉચિત મેનેજમેન્ટના અભાવે આ કાદવ જૈવિક ખાતરના વિકલ્પ તરીકે ખેતરોમાં વપરાઈ રહ્યો છે.
-
જમીનમાં રહેતી આવી ઝેરી ધાતુઓ પાકના મૂળિયા દ્વારા ખાદ્યાન્ન સુધી પહોંચે છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ગંગાને સ્વચ્છ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એસટીપી (STP) હવે એક નવા પર્યાવરણીય સંકટનું કારણ બની રહ્યો છે. શહેરોની સીવેજ સાફ કરીને ગંગામાં છોડવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં નીકળનાર સ્લજ અર્થાત્ કીચડ ઉચિત મેનેજમેન્ટના અભાવે સીધો ખેતરોમાં પહોંચી રહ્યો છે, જેથી જન આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. કેગ (CAG) ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અનેક સ્થળો પર કાદવમાં ઝિંક, કેડમિયમ તેમજ અન્ય ભારે ધાતુઓ નિર્ધારિત સીમાથી વધુ માત્રામાં મળી આવી છે, આમ છતાં તેનો ઉપયોગ કૃષિ ભૂમિમાં કરવામાં આવી રહ્યો છે.
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન કરવામાં આવ્યું તો તેની અસર માત્ર જમીન સુધી સીમિત નહીં રહે, બલકે ભૂજલ, ખેતીપાક અને પૂરી ખાદ્ય શૃંખલા સુધી પહોંચી શકે છે. ગંગા સંરક્ષણ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરતા કેગે ઉત્તર પ્રદેશના અનેક એસટીપીમાં સ્લજ મેનેજમેન્ટની ગંભીર ખામીઓ જાહેર કરી છે. કેગે અનેક સવાલો ઉઠાવ્યા છે કે એસટીપી પહેલા કેમ બની અને સીવર નેટવર્ક પછી શા માટે બન્યું? સીવેજની માત્રા અને એસટીપીની ક્ષમતાનું આકલન શા માટે ખોટું થયું? અને આ ભારે ધાતુઓવાળો સ્લજ આખરે ખેતરો સુધી કેવી રીતે પહોંચ્યો?
એસટીપીથી નીકળનારો આ સ્લજ અનેક જગ્યાએ જૈવિક ખાતરના વિકલ્પ તરીકે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી ધાતુઓ જમીનમાં વર્ષો સુધી રહે છે અને ધીમે ધીમે ખેતીપાકના મૂળિયાના માધ્યમથી ખાદ્યાન્ન સુધી પહોંચી જાય છે. અંતે તે માનવ શરીરમાં પ્રવેશીને લાંબાગાળે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. રિપોર્ટમાં ખાસ કરીને પ્રયાગરાજના કોહરા એસટીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં સ્લજના વૈજ્ઞાનિક મેનેજમેન્ટ માટે અલગ સ્લજ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનું સંચાલન હજુ સુધી શરૂ જ નથી થયું.
આ ગંભીર બેદરકારીના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમને ડામવા માટે સત્વરે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે. સરકારી એજન્સીઓ અને સંલગ્ન વિભાગોએ આ મામલે યોગ્ય નીતિ બનાવીને કડક અમલીકરણ કરવું પડશે.
આગામી સમયમાં નદીઓની સ્વચ્છતાની સાથેસાથે તેની આડપેદાશોના યોગ્ય નિકાલ માટે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે જેથી કુદરતી સંપદા અને નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકે.