Loading Please Wait !!!
બાળકની હત્યા કરી માથું આજી નદીમાં ફેંકી દેનાર ઠેકેદારનો થશે નાર્કો ટેસ્ટ

ગુનામાં ઉપયોગમાં લીધેલું બાઈક જેનું છે તે બાઈક માલિકને પાઠવ્યું સમન્સ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ૮ વર્ષ પહેલાં માસૂમ બાળમજૂરની હત્યાના ચકચારી ગુનામાં પોલીસે હત્યારા ઠેકેદાર અજીતમોલા અઝમતમૌલાની ધરપકડ કર્યા બાદ ૧૦ દિવસના રિમાન્ડ મેળવી હત્યાના આ ગંભીર ગુનામાં સાંયોગિક પુરાવા એકઠા કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

૨૦૧૮ના આ ગુનામાં ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જેલમાંથી કબજો મેળવી અદાલતમાં રજૂ કરાતા આરોપીના આગામી તારીખ ૨૩ સુધીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આઠ વર્ષ જૂના આ ગુનામાં મજબૂત કડીઓ મેળવવા તપાસનીશ પોલીસે કરિયાણાના વેપારી તેમજ રત્નમ હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા છે.

આરોપીએ બાળકની લાશના ટુકડા કરવા માટે છરો અને થેલો મચ્છી માર્કેટમાંથી ખરીદ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે સંબંધિત વેપારીઓના નિવેદન પણ લીધા છે. લાશના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલું મોટરસાઈકલ આરોપીએ વતનના જે મિત્ર પાસેથી મેળવીને બાદમાં વેચી માર્યું હતું, તે પશ્ચિમ બંગાળ રહેતા મૂળ માલિકને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવાયું છે.

આ ક્રૂર હત્યા કાંડના સચોટ પુરાવા એકત્ર કરવા અદાલતે આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપતા પોલીસે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને રિપોર્ટ મોકલી પ્રક્રિયા હાથ ધરી છે.