ભાજપ ઉપર ‘આપ’ના ગંભીર આરોપ : ભાજપે કર્મચારીઓને ડરાવી-ધમકાવીને પોલીસ ફરિયાદ કરાવી
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું
ચૈતરભાઈ સમાજના મુદ્દા ઉઠાવે છે એ ભાજપને ગમતું નથી
સીટી ન્યૂઝ@અમદાવાદ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચૂકાદા બાદ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે સંઘર્ષ કરતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખટકે છે અને એટલા માટે તેમના ઉપર વારંવાર કેસો કરવામાં આવે છે, વારંવાર જેલમાં નાખવામાં આવે છે. એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં રાત્રે બે વાગ્યે ઊભો પાક કાપી નાખે છે. સ્થાનિક લોકો પછી ચૈતર વસાવા પાસે જાય છે. ચૈતર વસાવા વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે તમે રાત્રે બે વાગ્યે આ રીતે ઊભો પાક કાપો છો. જંગલ જમીનની બાબતમાં જે કાનૂન લાગુ પડે છે તે આદિવાસી સમાજના હિત માટે છે, છતાં ઊભો પાક તરત જ કાપી નાખવામાં આવે છે, અને એ પણ રાત્રે બે વાગ્યે. એવું શું કારણ હતું? ચૈતર વસાવાએ વન કર્મચારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જાગૃતિ લાવી અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરાવ્યું. સમાધાન પછી નક્કી થયું કે આટલી રકમ ચૂકવવી રહેશે. સમાધાન થયા બાદ ભાજપના કાર્યકરો ત્યાં પહોંચી જાય છે અને ચૈતર વસાવાને બોલાવીને ધમકાવે છે. ભાજપ તરફથી જાણે ચારેય બાજુથી દબાણ ઊભું કરીને, કેસો કરીને અને સજાઓ કરાવવીને તેમને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈપણ સામાન્ય વ્યક્તિને પોતાના સમાજનો અવાજ ઉઠાવો જોઈએ, તેને દબાવીને ગોડાઉનમાં પૂરવાનો પ્રયત્ન યોગ્ય નથી. ભાજપે ખબર પડી એટલે કર્મચારીઓને કહીને ડરાવી ધમકાવીને પોલીસ ફરિયાદ કરાવવામાં આવે છે. એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી દબાણ તૂટે નહીં એટલે એક કેસ ચલાવીને આજે ચૈતરભાઈ વસાવા ઉપર સાત વર્ષની સજા સંભળાવવામાં આવે છે. કેટલાક કેસોમાં તાત્કાલિક સજા થઈ છે? જ્યારે ચૈતરભાઈ વસાવા સમાજના મુદ્દા ઉઠાવે છે ત્યારે ભાજપને ગમતું નથી, કારણ કે તેઓ આદિવાસી સમાજનો અવાજ બની રહ્યા છે.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો આરોપ
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો
જળ, જમીન અને જંગલના હકો માટે લડનાર ચૈતર વસાવાને ભાજપે ષડયંત્રપૂર્વક સજા અપાવી
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો. પરંતુ પ્રશ્ન એ છે શું આવા ગુનામાં સાત વર્ષની સજા થતી હોય? જો સરકારી કર્મચારી સાથે કથિત દુર્વ્યવહાર માટે સાત વર્ષની સજા થતી હોય, તો ગુજરાતની જનતાને છેતરનારા અને અન્યાય કરનારા લોકોને શું સજા થવી જોઈએ? વાસ્તવિક હકીકત એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી સમાજના હકો માટે લડતા રહ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ-જમીન-જંગલ માટે લડવાનો ગુનો, આદિવાસી ભાઈઓના એસટી પ્રમાણપત્રના પ્રશ્ને અવાજ ઉઠાવવાનો ગુનો, વિવિધ પ્રોજેકટો નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના હક અપાવવા માટેનો ગુનો, ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ જંગલ જમીનના અધિકારો માટે લડવાનો ગુનો, પછાત અને શ્રમિક આદિવાસી વર્ગ માટે લડવાનો ગુનો, તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ફીશીપ મળે તે માટે લડવાનો ગુનો આવા અનેક ગુનાઓ ચૈતર વસાવાએ કર્યા છે. આમ, સમગ્ર આદિવાસી સમાજના હકો માટે અને સમાજને જાગૃત કરવા માટે ચૈતર વસાવા સામે ભાજપે કથિત ષડયંત્ર રચીને તેમને સાત વર્ષની જેલની સજા કરાવવાનું કામ કર્યું છે. સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી અને સરકારી વકીલોના માધ્યમથી ચૈતર વસાવાને સજા અપાવવામાં આવી હોવાનું અમે માનીએ છીએ.