Loading Please Wait !!!
રાજકોટ ST બસ સ્ટેશનમાં ગરમી વચ્ચે છાસ વિતરણ

સિટી ન્યૂઝ@રાજકોટ

ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાં જ્યારે સામાન્ય માણસ એસ.ટી. બસ સ્ટેશનની બેન્ચ પર બેસીને પરસેવે રેબઝેબ થતો હોય, ત્યારે રાજકોટની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા મુસાફરોની જઠરાગ્નિ ઠારવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. જીવદયાપ્રેમી અને માનવતાવાદી જૈન સમાજના મીનાબેન વીરેન્દ્રભાઈ દોશીના મુખ્ય આર્થિક સહયોગથી, સ્વ. વીરેન્દ્રભાઈ દોશીના સ્મરણાર્થે દર રવિવારે આયોજિત થતા આ છાસ વિતરણ સેવા યજ્ઞનો સતત ૧૧મો રવિવાર પણ ધામધૂમથી સંપન્ન થયો હતો. આ રવિવારે એસ.બી.આઈ. પેન્શનર્સ એસોસિએશનના અગ્રણી શરદભાઈ દવેના હસ્તે આ ઠંડા ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એસ.ટી. બસના આશરે ૧૮૦૦થી વધુ મુસાફરોએ આ અમૃતરૂપી મસાલા છાસ પીને ટાઢક અનુભવી હતી. આજના જમાનામાં જ્યાં લોકો નજીવી બાબતોમાં પણ ક્રેડિટ લેવા દોડતા હોય છે, ત્યાં વિવેકાનંદ યુથ ક્લબની આખી સેના કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને બસમાં બેઠેલા મુસાફરોને ગોતી-ગોતીને પૌષ્ટિક છાસ પીવડાવી રહી છે. જો કોઈ ભક્ત કે નાગરિકને આ સેવામાં થોડો વધુ રસ જાગે અથવા પૂછપરછ કરવાની ઈચ્છા થાય તો તેમણે સંસ્થાના અનુપમ દોશી (મો. ૯૪૨૮૨૩૩૭૯૬) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

=> કૈલાશધામ મંડળ દ્વારા રવિવારે વિનામૂલ્યે નોટબુક વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈલાશધામ મંડળ દ્વારા તા. ૦૭-૦૬-૨૦૨૬ ને રવિવારે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન ધોરણ ૨ થી ૧૧ સુધીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવશે. અંદાજિત ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ શકશે. જેના માટેના પાસ તા.૦૫-૦૬-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમિયાન “કૈલાશધામ”, ભક્તિનગર સર્કલ, ૩/૧૨ ગાયત્રીનગર, રાજકોટ ખાતેથી મેળવી લેવાના રહેશે તેમ સંસ્થાના વ્યવસ્થાપક અશોકભાઈ ચંદારાણા અને તનુતાબેન ચંદારાણાની યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં. ૯૮૨૪૫૩૦૧૨૩ ઉપર સંપર્ક કરવો.