ક્રિકેટ પ્રેમી મિત્રની અનોખી અંતિમયાત્રા ! 100 બેટ સાથે અંતિમ વિદાય આપી ક્રિકેટ નહીં રમવાનો સંકલ્પ કર્યો
અમદાવાદના યુવકની અધૂરી રહી ગઈ એક ઈનિંગ
દિલને સ્પર્શની વિદાય : મિત્રોએ બેટ હોમી આપી અનોખી શ્રદ્ધાંજલિ
પરિવારમાં કોણ કોણ છે?
રોહિતના પરિવારમાં માતા-પિતા અને કુલ પાંચ ભાઈ છે. જેમાં રોહિત સૌથી નાનો ભાઈ હતો. ૨૫ વર્ષીય રોહિત એક પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હોય તેવું લાગી આવ્યું હતું. ૧૭ જૂનના રોજ તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જે સમયે આત્મહત્યા કરી તે વખતે તેના ઘરમાં કોઈ હાજર નહોતું.
સિટી ન્યૂઝ@અમદાવાદ
ક્રિકેટ આ દેશ માટે ધર્મ સમાન છે અને ફેન્સ આ ગેમ પાછળ દાયકાઓથી ક્રેઝી છે. તમે સચિન તેંડુલકર કે ધોનીના કેટલાય ડાયહાર્ડ ફેન્સ જોયા હશે. પરંતુ અમદાવાદનો એક યુવક ગજબનો ક્રિકેટ ફેન હતો. તે ક્રિકેટને જીવતો હતો એમ કહી શકાય. દિવસ-રાત બસ તેના પર ક્રિકેટનું જ ભૂત સવાર રહેતું હતું. તેના શ્વાસે શ્વાસમાં ક્રિકેટ હતું.જો કે આ યુવાનની જિંદગીનો દુઃખદ અંત આવ્યો છે. ગત ૧૯ મેના રોજ શહેરના અમદપુરામાં ગળાફાંસો જિંદગી ટૂંકાવી લીધી હતી. ત્યાર બાદ નીકળેલી તેની અંતિમયાત્રા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. સૌ કોઈ તેની આ અંતિમયાત્રાની જ ચર્ચા કરી રહ્યા હતા. સ્પિનિંગ મિલની ચાલીમાં રહેતા રોહિત નામના યુવકનું મોત થતા તેની અંતિમયાત્રાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ
અંતિમયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. તેમજ અંતિમવિધિમાં ૧૦૦ જેટલા મિત્રોએ ૧૦૦ બેટ હોમી દઈને મિત્રોએ ક્યારેય ક્રિકેટ ન રમવાનો પણ નિર્ણય કર્યો છે.તેની આ અંતિમયાત્રા જોઈને લાગી રહ્યું હતું કે, તે આસપાસ રહેતા લોકોમાં પણ ખૂબ જ ફેમસ હશે. સગા સંબંધીઓ અને મિત્રોમાં પોપ્યુલર એવા રોહિતની અંતિમયાત્રા ઢોલ વગાડતા વગાડતા બેટ અને બોલ સાથે
કાઢવામાં આવી હતી.આ દરમિયાન ઘણા મિત્રોએ અર્થી પર ઉતારીને ઢોલીને પણ ખૂબ પૈસા આપ્યા હતા. સમગ્ર માહોલ ગમગમીન થઈ ગયો હતો અને સૌ કોઈની આંખોમાં આંસુ હતા, ભારે હૃદયે એક જ સવાલ થઈ રહ્યો હતો કે, રોહિતને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, ભરયુવાનીમાં જ જીવનલીલા સંકેલી લેવી પડી?, કેમ જિંદગીની અધૂરી ઈનિંગ છોડીને અનંતયાત્રાએ નીકળવું પડ્યું?.
ક્રિકેટ માટે ફના થઈ જવા તૈયાર એવા રોહિત પટણીની જિંદગીનો આ રીતે અંત આવશે તેની કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહોતી. રોહિતના મિત્ર વિકી પટણીએ જણાવ્યું હતું કે, રોહિત મેચમાં ખૂબ જ હોશિયાર હતો. તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને ખાસ બોલિંગમાં તો તેનો જવાબ નહોતો. અમે બધા મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પણ જતા. એક કિસ્સો યાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે, એક વાર અમે લોકો મેચ રમવા ગયા હતા. જ્યાં અમારું સિલેક્શન સેમિ ફાઈનલમાં થઈ ગયું હતું. એ મેચમાં અમે લોકો હારવાની અણી પર હતા અને રોહિતે છેલ્લી ૨ થી ૩ ઓવરમાં એવી બોલિંગ કરી કે મેચ અમારી ફેવરમાં આવી ગઈ હતી. અમે લોકો એ મેચ જીતી ગયા હતા. જ્યારે અમે લોકો નોકરી નહોતા કરતા ત્યારે અમે લોકો વહેલી સવારથી સાંજ સુધી મેચ રમ્યા રાખતા હતા.