Loading Please Wait !!!
દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ ટોકન દરે નોટબુક વિતરણ કરશે

1200થી વધુ વિદ્યાર્થીઓને મળશે લાભ; વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ માટે માર્કશીટ નોંધણી પણ હાથ ધરાશે

14 જૂને આનંદનગર ખાતે કાર્યક્રમ

સિટી ન્યૂઝ@રાજકોટ

શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ, રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યાથી આનંદનગર સ્થિત પૂ. શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે.

મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓને ટોકન દરે રૂ.૧૦૦માં ૧૦ નોટબુક આપવામાં આવશે. ઉપરાંત આગામી વિદ્યાર્થી સન્માન સમારોહની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની અને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે પોતાની માર્કશીટની ઝેરોક્સ નકલ તેમજ ઓરિજિનલ માર્કશીટ સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. યુવક મંડળના કાર્યકરો દ્વારા નોંધણી અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે.

આ વર્ષે અંદાજે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ આ વખતે નોટબુક વિતરણ કાર્યક્રમમાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ૭૫ વર્ષની ઉજવણીને કેન્દ્રમાં રાખી વિશેષ થીમ અપનાવવામાં આવી છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અનેક દાતાશ્રીઓએ સહયોગ આપ્યો છે. જેમાં પ્રેમગિરિ દેવાગિરિ, પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, નિલેશપુરી શિવપુરી, અરવિંદગિરિ પ્રભાતગિરિ, પ્રવિણાભારતી ધરમભારતી, પ્રમોદપુરી મોહનપુરી, રામદેવપુરી અશોકપુરી સહિતના દાતાઓનો સમાવેશ થાય છે. દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રમુખ પ્રવિણભારતી ડી. ગોસ્વામી, મહામંત્રી ભુપતપુરી એમ. ગોસાઈ, ઉપપ્રમુખ દીપકગિરિ બી. ગોસાઈ, અધ્યક્ષ પ્રફુલગિરિ ટી. ગોસ્વામી સહિતના હોદ્દેદારોએ સમાજના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.