ઇતિહાસમાં પહેલીવાર માનવીય અંગ રેલવેમાં લવાયું: વંદે ભારત ટ્રેનમાં સુરતથી અમદાવાદ પહોંચાડાયું 'લાઇવ હાર્ટ'!
-
ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં પ્રથમ વખત આ અદભુત સિદ્ધિ હાાસિલ કરી છે.
-
સુરતથી સવારે ૯:૧૮ વાગ્યે નીકળીને બપોરે ૧૨:૫૫ વાગ્યે હાર્ટ અમદાવાદ પહોંચાડાયું.
-
ગુજરાત પોલીસ, આરપીએફ અને તબીબોની ટીમ વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદય એટલે કે 'લાઇવ હાર્ટ'નું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી સમયસર લાઇવ હાર્ટ પહોંચાડીને એક દર્દીને નવજીવન આપવાના પ્રયાસને સફળ બનાવવામાં આવ્યો છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે આ હૃદય સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું હતું. આ હૃદયને અમદાવાદની પ્રખ્યાત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યું છે.
આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, આરપીએફ અને તબીબોની ટીમ વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ થી લઈને યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લાઇવ હાર્ટને કોઈપણ વિલંબ વિના નિર્ધારિત સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયું. આ લાઇવ હાર્ટને સુરતથી સવારે ૯:૧૮ વાગ્યે લઈને બપોરે ૧૨:૫૫ વાગ્યે એટલે કે પોણા ચાર કલાક અર્થાત ૨૧૭ મિનિટમાં અમદાવાદ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદને પગલે કોઈ ફ્લાઈટ અવરજવર કરતી ન હોવાને કારણે રેલવે દ્વારા આ ઐતિહાસિક પગલું લેવાયું હતું.
વંદે ભારત એક્સપ્રેસની ઝડપી ગતિ, સમયપાલન અને વિશ્વસનીયતાએ આ જીવનરક્ષક મિશનની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો અને માલસામાનના પરિવહન સુધી મર્યાદિત નથી, પરંતુ ઇમરજન્સી આરોગ્ય સેવાઓમાં પણ એક મહત્વપૂર્ણ સહયોગી તરીકે ઉભરી રહી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે રેલવેના વિવિધ વિભાગો, રાજ્ય પોલીસ, તબીબો અને અંગ પ્રત્યારોપણ સંકલનકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આગામી સમયમાં આવી કટોકટીની પરિસ્થિતિઓમાં રેલવે પરિવહનનો ઉપયોગ મેડિકલ ક્ષેત્ર માટે એક નવો અને સચોટ વિકલ્પ સાબિત થશે. તંત્ર અને તબીબી આલમ દ્વારા સમયસૂચકતા દાખવીને કરવામાં આવેલા આ પ્રયાસથી દેશભરમાં રેલવે સેવાઓની પ્રશંસા થઈ રહી છે અને માનવતાના હિતમાં આ એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહી છે.
વિવિધ આપત્તિઓ કે કટોકટીના સમયે તમામ સરકારી વિભાગો અને નાગરિક સંસ્થાઓનું પરસ્પર સંકલન કેવી રીતે મોટા પડકારોને પાર કરી શકે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. દર્દીના પરિવારજનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આ સફળતા બદલ તમામ સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.