Loading Please Wait !!!
સમયસર દંડ નહીં ભરો તો ‘વાહન પોર્ટલ’ પર વાહન થશે બ્લોક : ટ્રાફિક નિયમો કડક

  • 1 વર્ષમાં 5 થી વધુ ઈ-ચલણ તો લાઈસન્સ સસ્પેન્ડ!

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો માટે હવે વધુ કડક નિયમો અમલમાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ઈ-ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત વાહનચાલકો સમયસર દંડ નહીં ભરો તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક થશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે.

જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી ૪૫ દિવસની સમયમર્યાદામાં ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. ચલણ ઈશ્યુ થયાના ૪૫ દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઈવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી ૩૦ દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે.

જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ‘વાહન પોર્ટલ’ પર સંબંધિત વાહનને "Not to be transacted" એટલે કે, બ્લોક કરી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈપણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.

નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને એક જ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ બાકી રહેલા ઈ-ચલણ સમયસર ભરી દેવા અપીલ કરી છે, જેથી વાહન બ્લોકિંગ અને લાઈસન્સ સસ્પેન્શન જેવી કડક કાર્યવાહીથી બચી શકાય.

  • 45 દિવસમાં ફરિયાદ કે રજૂઆત કરવાની તક
  • દંડની 50% રકમ ડિપોઝિટ કરાવી કોર્ટમાં અપીલ કરી શકાશે

જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ ૩૦ દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના ૫૦% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને ૧૫ દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને “વાહન પોર્ટલ” પર "Not to be transacted" તરીકે બ્લોક કરવામાં આવશે.