રાજકોટને મોટી ગિફ્ટ; રૂા.26.80 કરોડના ખર્ચે ભક્તિનગર બદલાયું
=> ભક્તિનગર સ્ટેશનમાં AC વેઇટિંગ રૂમ લિફ્ટ સામે મોર્ડન સુવિધા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેકે આજે રાજકોટ ડિવિઝનના ભક્તિનગર રેલવે સ્ટેશન પર મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત તાજેતરમાં પૂર્ણ થયેલા પુનર્વિકાસ કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરાવ્યું હતું તેમજ મુસાફરો માટે વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને વિવિધ પેસેન્જર સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. રાજકોટ શહેરની મધ્યમાં આવેલું ભક્તિનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારી રેલ કેન્દ્ર છે. મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ સ્ટેશનનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ કુલ રૂા. ૨૬.૮૦ કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે,
જેમાં સ્ટેશનના વિકાસ માટે ૧૧.૮૧ કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે ૧૪.૯૯ કરોડની રકમ સામેલ છે. દૈનિક આશરે ૪,૭૦૦ મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, “અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર સ્ટેશનનો પુનર્વિકાસ મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ પૂરો પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટેશન પર વિકસાવવામાં આવેલી નવી સુવિધાઓ મુસાફરોની સરળતા, સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પુનર્વિકાસ માત્ર રેલ મુસાફરોને જ બહેતર સુવિધાઓ પૂરી પાડશે નહીં, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે.”