રામદેવ ડાંગર, સતીષ બાલાસરા, જનક ડાંગર, ભરત ફુગશિયા અને હજુ એક આરોપી સામેલ
રામદેવ ડાંગર ગેંગ સામે ગુજસીટોક
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ-ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. રામદેવ ડાંગર ગેંગના ૫ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરાઈ આવી જેમાંથી ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ૨૦૧૬ થી ૨૦૨૫ સુધીમાં હત્યા,હત્યાની કોશિશ,ફરજમાં રૂકાવટ,આર્મ્સ એક્ટ સહિત કુલ ૫૨ જેટલા ગુનાઓ નોંધાયા છે. જેમાં ૨૪ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાતા પોલીસે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગના ત્રણ શખ્સો રામદેવ ડાંગર,કુલદિપસિંહ ઉર્ફે લાલો જાડેજા,સતીષ બાલાસરાની પોલીસે ધરપકડ કરી છે. બે શખ્સો ભરત ફુંગસીયા અને જનક ડાંગર ફરાર છે. છેલ્લા એક વર્ષમાં પોલીસે ૮ જેટલી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે.જેમાં પોલીસે ગંભીર ગુનાઓ આચરતા ૯૦થી વધારે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
રાજકોટ શહેરમાં ગુનાખોરી સામે પોલીસ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. શહેરના કુખ્યાત રામદેવ ડાંગર ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેના પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણય હેઠળ રામદેવ ડાંગર સાથે સતીષ બલસાર, જનક ડાંગર અને ભરત ફુગશિયા સહિતના ગેંગ સભ્યોને કાયદાના ઘેરામાં લેવામાં આવ્યા છે. આ ગેંગ સામે લાંબા સમયથી ગંભીર ગુનાઓના આક્ષેપો હતા અને શહેરમાં દહેશત ફેલાવવાના પ્રયાસો કરવામાં આવતા હતા. પોલીસના આ કડક પગલાંને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.