મહારાષ્ટ્રમાં શિવસેનાના 9માંથી 6 સાંસદો બળવાખોર : ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી
રાઉતે કહ્યું, એક-એક સાંસદની 15 કરોડ રૂપિયામાં ખરીદી થઈ
સિટી ન્યૂઝ@મુંબઈ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના ૯માંથી ૬ સાંસદોએ બળવો કર્યો છે. સૂત્રો અનુસાર, છ સાંસદોએ શિંદે જૂથની શિવસેનામાં વિલય માટે બુધવારે સવારે ૯:૩૦ વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર મોકલ્યો છે. સૂત્રો અનુસાર, પત્ર મોકલનારા સાંસદોમાં નાગેશ પાટીલ આષ્ટિકર અને સંજય દીના પાટીલના નામનો સમાવેશ થાય છે. સંજય દીના પાટીલે પાર્ટી છોડવાની અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું- હું ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાંસદ છું અને આ જ પાર્ટીમાં રહીશ.
આ તરફ, શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બળવાખોર સાંસદોને ગાળો આપી. રાઉતે ગાળો આપતા કહ્યું- આ બેઈમાન લોકો છે. બેઈમાની તેમના લોહીમાં છે. બાદમાં મીડિયાને તેમણે કહ્યું- મરાઠીમાં આવા શબ્દો સામાન્ય બોલચાલનો ભાગ છે. ઉદ્ધવ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમના સાંસદો સાથે સતત સંપર્ક કરવાનો અને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.
પાર્ટીએ ગુરુવારે દિલ્હીમાં સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પાર્ટીએ તમામ સાંસદોને વ્હીપ જારી કરીને બેઠકમાં ફરજિયાતપણે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જે સાંસદો બેઠકમાં હાજર નહીં રહે, પાર્ટી તેમની વિરુદ્ધ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરી શકે છે.