વિમલ પાન મસાલામાં શાહરૂખ, અજય, ટાઈગરને કોર્ટની નોટિસ
5 રૂપિયાના પાનમસાલામાં 5 લાખ રૂપિયે કિલો વેચાતું કેસર કેવી રીતે હોઈ શકે?
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને રાજસ્થાનના બારાં જિલ્લા ગ્રાહક અદાલતે નોટિસ પાઠવીને ૯ જુલાઈએ હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. તેમના પર પાનમસાલાની જાહેરાતોમાં કેસરના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો અને આરોગ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો પરોક્ષ પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં અદાલતે કુલ ૪ લોકોને નોટિસ પાઠવી છે એમાં શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ ઉપરાંત વિમલ પાન મસાલાના માલિક વિમલ અગ્રવાલનું નામ પણ સામેલ છે.
આ મામલામાં બારાંની આદેશ નાગરિક અધિકાર સંસ્થાના સચિવ વીરેન્દ્ર સિંહે ગ્રાહક અદાલતમાં પાનમસાલા કંપની અને અભિનેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વીરેન્દ્ર સિંહે દલીલ કરી છે કે પાંચ રૂપિયાના પાઉચમાં પાંચ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ કિંમતનું કેસર મિશ્રિત હોવાનો દાવો સંપૂર્ણપણે ભ્રામક છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની જાહેરાત ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.
વીરેન્દ્ર સિંહે અદાલત સમક્ષ દેશભરમાં આ જાહેરાતો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી છે. આ મુદ્દે સુનાવણી માટે અદાલતે આગામી તારીખ ૨૨ જૂન નક્કી કરી છે. ગ્રાહક અદાલતે તમામ પક્ષકારોને ૯ જુલાઈએ વ્યક્તિગત રીતે અથવા તેમના વકીલ મારફત હાજર રહેવા માટે સમન્સ મોકલ્યા છે.