અહો આશ્ચર્યમ્! વીરપુરની કચેરી જેતપુરમાં શરૂ કરાતાં લોકોમાં ભારે રોષ!
» વીજ કાપ અને લો-વોલ્ટેજથી વીરપુરવાસીઓ અને હજારો યાત્રિકો ત્રાહિમામ્
» સ્થાનિક ફોલ્ટ સેન્ટર સ્ટાફ વગરનું ભુતિયા ઘર!
» કચેરી વીરપુરમાં જ શરૂ કરો – જનતાની ઉગ્ર માંગ
સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા–વીરપુર
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વીજતંત્ર દ્વારા સ્થાનિક ગ્રાહકોની સુવિધા માટે ‘વીરપુર સબ–ડિવિઝન’ કચેરી મંજૂર કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ કચેરી વીરપુરમાં શરૂ કરવાને બદલે રાજકીય ઈશારે અને વગદારોના દબાણ હેઠળ જેતપુર ખાતે કાર્યરત કરી દેવામાં આવી છે. જેને પગલે વીરપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉનાળાના આ ધમધગતા તાપમાં લોકોને નજીવી વીજ કામગીરી માટે પણ જેતપુર સુધી લાંબા થવાની નોબત આવી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે ગોંડલના ધક્કા મટ્યા, પણ જેતપુરની નવી આફત શરૂ થઈ, અગાઉ યાત્રાધામ વીરપુરનો સમાવેશ ‘પીજીવીસીએલ ગોંડલ ગ્રામ્ય–૨’ પેટા વિભાગની કચેરી હેઠળ થતો હતો. વીજ ગ્રાહકોને કનેક્શન, બિલિંગ કે અન્ય વહીવટી કામો માટે છેક ગોંડલ સુધી ધક્કા ખાવા પડતા હતા. લોકોની આ હાલાકી દૂર કરવા માટે વીજતંત્ર દ્વારા ખાસ વીરપુર ખાતે જ નવું સબ–ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ સત્તાધીશો અને રાજકીય નેતાઓની સાંઠગાંઠને કારણે આ કચેરી વીરપુરમાં ખોલવાને બદલે જેતપુર ખાતે શરૂ કરી દેવાતા લોકો ‘ખોળિયો ખાંડતા રતન ખોવાયું’ જેવો ઘાટ અનુભવી રહ્યા છે.
વીરપુરનું સ્થાનિક ફોલ્ટ સેન્ટર બન્યું સ્ટાફ વગરનું “ભૂતિયા ઘર” જેવું, જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે વીરપુર ગોંડલ હેઠળ હતું ત્યારે વીરપુર ફોલ્ટ સેન્ટર ખાતે કાયમી ધોરણે વીજ કર્મચારીઓનો સ્ટાફ હાજર રહેતો હતો. જેથી સ્થાનિક સ્તરે કોઈ ફોલ્ટ સર્જાય તો તુરંત રિપેરિંગ થઈ જતું. પરંતુ જ્યારથી આ કચેરી જેતપુર ખાતે ટ્રાન્સફર થઈ છે, ત્યારથી વીરપુર ફોલ્ટ સેન્ટર પરથી સ્ટાફ ગાયબ થઈ ગયો છે. હવે જ્યારે પણ વીરપુર કે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય, ત્યારે કર્મચારીઓ છેક જેતપુરથી આવે છે, જેમાં કલાકોનો સમય નીકળી જાય છે.
સ્થાનિકોના આક્ષેપો છે કે બળબળતા ઉનાળે સ્થાનિકો સાથે યાત્રિકો પણ હેરાન–પરેશાન થઈ રહ્યા છે.હાલ ઉનાળાની આકરી ગરમી અને બફારો પડી રહ્યો છે, ત્યારે વીરપુરમાં રાત્રિના સમયે વારંવાર વીજળી ગુલ થઈ જવાની તેમજ લો–હાઈ વોલ્ટેજની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. વીરપુર એક સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી રોજ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે હજારો યાત્રાળુઓ આવે છે અને હોટેલ–ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરે છે. વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને કારણે સ્થાનિક રહીશો તો ઠીક, પરંતુ બહારથી આવતા યાત્રિકો પણ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે, જેનાથી યાત્રાધામની છબી ખરડાઈ રહી છે.
વીરપુરના ગ્રામજનો અને વેપારી મંડળો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, જે કચેરી વીરપુરના નામે મંજૂર થઈ છે તેને તાત્કાલિક જેતપુરથી હટાવીને વીરપુરમાં જ સ્થાપિત કરવામાં આવે.
પૂજ્ય જલા બાપાના દરબારમાં આપેલું વચન વીજતંત્રના અધિકારીઓએ નેવે મૂક્યું...
જ્યારે સરકાર દ્વારા વીરપુર ખાતે પીજીવીસીએલ (PGVCL) સબ–ડિવિઝન કચેરી મંજૂર કરાઈ અને તેને જેતપુર ખાતે કાર્યરત કરવામાં આવી, ત્યારે ભારે વિરોધ વગાવતા વીરપુર જલારામ બાપાના મંદિર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સમયે પીજીવીસીએલ જેતપુર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર તરીકે એચ. એચ.સોની ફરજ બજાવતા હતા ત્યારે વીરપુર જગ્યાના ગાદીપતિ, વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા,તેમજ સ્થાનિક અગ્રણીઓ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા ખાતરી આપીને એવું નક્કી કરાયું હતું કે, વીરપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા માટે વીરપુર ખાતે જ એક ખાસ પેટા કચેરી (સબ–ઓફિસ) શરૂ કરવામાં આવશે, જ્યાં વીજ સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ નિવારણ થશે અને લોકોને જેતપુર સુધી ધક્કા નહીં ખાવા પડે. પરંતુ ખેદની વાત એ છે કે, આ બેઠકને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી આવી કોઈ પેટા કચેરી વીરપુરમાં શરૂ કરવામાં આવી નથી. પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં પવિત્ર આસને બેસીને આપેલા વચનમાંથી ફરી ગયા છે. વીજતંત્રના આ બેજવાબદાર વલણને કારણે માત્ર જનતા સાથે જ છેતરપિંડી નથી થઈ, પરંતુ ગાદીપતિને આપેલા વચનનું પણ અધિકારીઓએ અપમાન કર્યું હોય તેવી તીવ્ર પ્રતિક્રિયાઓ અને રોષ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.