Loading Please Wait !!!
ડોનાલ્ડ ટ્રમ્પનું બેજવાબદાર નિવેદન: "મને મોંઘવારી પસંદ છે!"

અમેરિકામાં ફુગાવો 3 વર્ષની ટોચે પહોંચતા મચેલા હોબાળા વચ્ચે ટ્રમ્પના બોલથી ખળભળાટ

મે મહિનામાં ફુગાવાનો દર વધીને 4.2 ટકા થતાં વિપક્ષે પ્રમુખને આડે હાથ લીધા

નવેમ્બરની મિડ-ટર્મ ચૂંટણી પહેલાં પ્રમુખના નિવેદનથી પોતાની જ પાર્ટી મુશ્કેલીમાં

સિટી ન્યુઝ @ વૉશિંગ્ટન

બોલિવૂડની પ્રખ્યાત હોરર ફિલ્મ 'વીરાના'માં ભૂતનો એક જાણીતો સંવાદ હતો- "મુજે વીરાના પસંદ હૈ". બિલકુલ આ જ અંદાજમાં હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વ સામે બોલ્યા છે કે- "મને મોંઘવારી પસંદ છે!" અમેરિકામાં મોંઘવારીનો દર છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. એપ્રિલ મહિનામાં જે ફુગાવાનો દર ૩.૮ ટકા હતો, તે મે મહિનામાં વધીને ૪.૨ ટકા થઈ ગયો છે. આ ગંભીર આર્થિક કટોકટી વચ્ચે પ્રમુખ ટ્રમ્પના આ આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ દાવાએ સમગ્ર અમેરિકાના રાજકારણમાં ભારે હોબાળો મચાવી દીધો છે.

વાસ્તવમાં, મે મહિનાના આ આકરા આંકડા જાહેર થયા બાદ પત્રકારોએ ટ્રમ્પને ઘેર્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે વધતી જતી મોંઘવારીના કારણે આગામી નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ઇલેક્શનમાં (મધ્યસત્ર ચૂંટણી) તેમના પક્ષના નેતાઓને મોટું નુકસાન થઈ શકે છે. આ ગંભીર સવાલનો જવાબ આપતી વખતે બધાના આશ્ચર્ય વચ્ચે ટ્રમ્પે આર્થિક સંકટની પ્રશંસા કરી અને જણાવ્યું કે, "તમે બધા જાણો છો કે મને શું પસંદ છે." બીજી તરફ, ટ્રમ્પ ઇરાન સાથેનું યુદ્ધ પોતાની ઈચ્છા મુજબ ખતમ કરવામાં સતત નિષ્ફળ જઈ રહ્યા છે. તેમણે બચાવ કરતા ઉમેર્યું કે ઇરાન યુદ્ધ ખતમ થતાં જ અમેરિકામાં મોંઘવારી આપોઆપ નાબૂદ થશે અને ભાવો નીચે આવશે, પરંતુ આ યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો કોઈ જવાબ તેમની પાસે નહોતો.

ટ્રમ્પના આ અહંકારી નિવેદનની વિપક્ષી નેતાઓએ ઉગ્ર ટીકા કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી નેતા ચક શૂમરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્રોશ ઠાલવ્યો કે, "ટ્રમ્પે ઓન-કેમેરા સ્વીકાર્યું છે કે તેમને મોંઘવારી પસંદ છે. આ દર્શાવે છે કે અમેરિકન પ્રજા પ્રત્યે તેમના મનમાં તિરસ્કાર સિવાય કંઈ નથી." જ્યારે હાઉસ ઓફ ડેમોક્રેટિકના નેતા હકીમ જેફરીઝે કટાક્ષ કરતા કહ્યું કે, છેવટે આપણને એવી વસ્તુ મળી ગઈ જેને ટ્રમ્પ પોતાની જનતા કરતાં પણ વધુ પ્રેમ કરે છે. આ વિવાદ સંસદ સુધી પહોંચતા ઓહાયોના ડેમોક્રેટ સાંસદ એમિલિયા સાઇક્સે ઉર્જા મંત્રી ક્રિસ રાઇટને સીધો સવાલ કર્યો હતો કે શું તેમને પણ મોંઘવારી ગમે છે? જેના જવાબમાં બચાવ મુદ્રામાં આવેલા ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરવી પડી કે પ્રમુખે માત્ર મજાક કરી હતી, બાકી તેઓ પોતે ઓછી મોંઘવારીને જ અગ્રતા આપશે.

ચૂંટણી ટાણે ટ્રમ્પનું નિવેદન રિપબ્લિકન પક્ષ માટે આત્મઘાતી? નવેમ્બરમાં અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે, તેવા સમયે જ ફુગાવાનો દર 4.2 ટકા થવો અને પ્રમુખ દ્વારા તેની પ્રશંસા કરવી તે વિપક્ષને મોટું હથિયાર આપી ગયું છે. જનતા જ્યારે રોજીંદી વસ્તુઓના ભાવવધારાથી પરેશાન હોય, ત્યારે દેશના વડા દ્વારા આવી કમેન્ટ્સ સત્તાધારી પક્ષના ઉમેદવારો માટે ચૂંટણીમાં ભારે પડી શકે છે.