Loading Please Wait !!!
ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇએ અમેરિકાની સૈન્ય તાકાત પડકારી

  • પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પ્રતિબંધો વચ્ચે બંને દેશો વચ્ચે આમને-સામનેની ભયંકર સ્થિતિ
  • ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇએ અમેરિકી સુરક્ષા ક્ષમતાઓ પર ઉઠાવ્યા સીધા સવાલો
  • જેઓ અમેરિકાને ભગવાનની જેમ પૂજે છે તેમને સુરક્ષા મુદ્દે વિચારવા ઇરાનનો આકરો આદેશ

સિટી ન્યુઝ @ તેહરાન

અમેરિકા અને ઇરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યારે ઇતિહાસના બિલકુલ તળિયે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ, આકરા આર્થિક પ્રતિબંધો, પ્રાદેશિક સંઘર્ષો અને આક્રમક સૈન્ય ગતિવિધિઓને લઈને અનેકવાર આમને-સામનેની યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ભયંકર વૈશ્વિક તણાવની વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇએ અમેરિકાની સૈન્ય તાકાત અને વૈશ્વિક વર્ચસ્વ પર સીધા સવાલો ઉઠાવતા એક અત્યંત કડક અને સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે.

ઇરાનના સુપ્રીમ લીડરે અમેરિકા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે અમેરિકન સૈન્ય મથકો (Milatary Bases) પાસે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પૂરતી ક્ષમતા નથી, તેઓ બીજા દેશોની સુરક્ષા કરવાનો ખોટો દાવો કેવી રીતે કરી શકે? મોજતબા ખામેનેઇએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે અમેરિકી સૈન્ય મથકો જ પોતાની ધરતી પર સુરક્ષિત નથી, ત્યારે તે એવા દેશોની રક્ષા કેવી રીતે કરશે જેઓ તેમના પર આંધળો વિશ્વાસ રાખીને નિર્ભર છે અથવા જેઓ અમેરિકાને ભગવાનની જેમ પૂજે છે અને તેમની અંધભક્તિ કરે છે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં વર્ચસ્વ જમાવવા માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે ખામેનેઇના આ નિવેદનને એક મોટા રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકન સૈન્યની હાજરી હવે પહેલા જેવી પ્રભાવશાળી રહી નથી અને પ્રાદેશિક શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને તેના સહયોગી દેશોનું માનવું છે કે મિડલ ઇસ્ટમાં સ્થિરતા અને શાંતિ જાળવી રાખવા માટે અમેરિકી સૈન્યની હાજરી આજે પણ એટલી જ મહત્વપૂર્ણ છે અને તેમના સૈન્ય મથકો કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.

અમેરિકી દબાણ સામે ઇરાનનો મક્કમ વલણ અને પ્રાદેશિક સત્તાનો જંગ

ઇરાન આ આક્રમક નિવેદન દ્વારા વૈશ્વિક સ્તરે એ સાબિત કરવા માંગે છે કે તે અમેરિકાના કોઈપણ આર્થિક કે સૈન્ય દબાણથી પ્રભાવિત થયા વિના પોતાની સુરક્ષા ક્ષમતાઓ પર પૂરો ભરોસો રાખે છે. ખામેનેઇએ સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ માટે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર રહેતા અખાતી દેશોની પણ આકરી ટીકા કરીને મિડલ ઇસ્ટના દેશોને પોતાની સૈન્ય નીતિ બદલવાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે.