વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે ABVP મેદાને: ગાંધીનગરમાં ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું
-
MYSY, CMSS સહિત આદિજાતિ અને સમાજ કલ્યાણ વિભાગની સ્કોલરશિપ અટવાઈ
-
લાંબા સમયથી વેરિફિકેશન, મંજૂરી અને DBT પ્રક્રિયામાં અરજીઓ પેન્ડિંગ પડી હોવાનો આક્ષેપ
-
સ્કોલરશિપ ન મળતાં હોસ્ટેલ ફી, પુસ્તકો અને રહેવા-જમવાના ખર્ચમાં વિદ્યાર્થીઓ પરેશાન
સિટી ન્યુઝ @ ગાંધીનગર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક મુશ્કેલીઓને વાચા આપવા ગાંધીનગરમાં ધરણા યોજી મોરચો માંડવામાં આવ્યો હતો. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS તેમજ અન્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની લાંબા સમયથી અટકેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા અને પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવા ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી સંગઠનની રજૂઆત અનુસાર શિક્ષણ વિભાગ હેઠળની MYSY, CMSS સહિતની મુખ્ય યોજનાઓ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ તરફથી મળતી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓની રકમ સમયસર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ રહી નથી.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અરજીઓ મહિનાઓથી વેરિફિકેશન, મંજૂરી કે પેમેન્ટ લેવલની પ્રક્રિયામાં પેન્ડિંગ પડી રહી છે. આ ઉપરાંત બેંક એકાઉન્ટ લિંકિંગ, DBT, NPCI મેપિંગ તેમજ ઇન્સ્ટિટ્યૂટ સ્તરના વેરિફિકેશન જેવી ટેકનિકલ અને વહીવટી અડચણોના કારણે પણ ચૂકવણી અટવાયેલી છે.
શિષ્યવૃત્તિ સમયસર ન મળવાને કારણે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓને કોલેજ ફી, હોસ્ટેલ ફી, પરીક્ષા ફી, પુસ્તકો તેમજ રહેવા-જમવાના દૈનિક ખર્ચાઓ પહોંચી વળવામાં ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર મોટો આર્થિક બોજ વધ્યો છે.
ABVP એ રાજ્ય સરકાર સમક્ષ તાકીદ કરી છે કે શિષ્યવૃત્તિ પોર્ટલ પર રહેલી તમામ ટેકનિકલ ખામીઓ દૂર કરી તમામ પેન્ડિંગ અરજીઓનો યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપની બાકી રકમ સત્વરે જમા કરવામાં આવે.
વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે ABVP મેદાને
ગુજરાતમાં SC, ST, SEBC અને EWS સહિતના વિદ્યાર્થીઓની MYSY તથા સમાજ કલ્યાણ વિભાગની શિષ્યવૃત્તિ લાંબા સમયથી અટવાતાં ABVP એ ગાંધીનગરમાં ધરણા યોજી કલેક્ટરને આવેદન આપ્યું છે. વેરિફિકેશન અને ટેકનિકલ ખામીઓ દૂર કરી પેન્ડિંગ સ્કોલરશિપ તાત્કાલિક બેંક ખાતામાં જમા કરાવવાની માંગણી કરાઈ છે.