Loading Please Wait !!!
CGSTના સુપરિન્ટેન્ડેન્ટ અને કન્સલ્ટન્ટ 1 કરોડની લાંચ લેતા ઝડપાયા

 

  • મહારાષ્ટ્રના ન્યુ પનવેલ વિસ્તારનો છે સમગ્ર મામલો

  • 24 ફ્લેટના રી-ડેવલપમેન્ટ અને NOC સાથે જોડાયેલો વિવાદ

  • 10 લાખ રોકડા અને ફ્લેટના ડાઉન પેમેન્ટની થઈ હતી વાત

સિટી ન્યુઝ @ મુંબઈ

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એક કરોડ રૂપિયાના લાંચ કેસમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપરિન્ટેન્ડેન્ટ અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સુપરિન્ટેન્ડેન્ટ પંકજ કુમાર અને કન્સલ્ટન્ટ પ્રસાદ કુમાર સ્વામી તરીકે થઈ છે. સુપરિન્ટેન્ડેન્ટ પંકજ કુમારે ફરિયાદકર્તા પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ કન્સલ્ટન્ટને આપવા કહ્યું હતું, ત્યારે જ CBIએ ગુરુવારે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.

CBI અનુસાર આ મામલો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ન્યુ પનવેલનો છે. અહીં એક ખાનગી રિયલ એસ્ટેટ કંપની સેક્ટર-17માં બે ઇમારતોનો પુનર્વિકાસ (રી-ડેવલપમેન્ટ) કરી રહી છે, જેમાં CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, રાયગઢ કમિશનરેટની માલિકીના 24 ફ્લેટ પણ સામેલ છે. ખાનગી રિયલ એસ્ટેટ કંપનીના પ્રોજેક્ટ હેડે ફરિયાદ કરી હતી કે આ 24 ફ્લેટને રી-ડેવલપમેન્ટ માટે સોંપવા અને NOC જારી કરવાના બદલામાં અધિકારીએ 1 કરોડ રૂપિયાની તોતિંગ લાંચ માંગી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી અધિકારીએ 10 સપ્ટેમ્બરે લાંચની રકમની વિગતો આપતા 10 લાખ રૂપિયા રોકડા, 20 લાખ રૂપિયા એક ફ્લેટનું ડાઉન પેમેન્ટ અને બાકીના 70 લાખ રૂપિયા નવી દિલ્હીના અન્ય અધિકારીઓ માટે આપવાની વાત કરી હતી. CBIએ જાળ બિછાવીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી

સરકારી વિભાગોમાં થતા ભ્રષ્ટાચારને ડામવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓની આ પ્રકારની સક્રિય કાર્યવાહી અત્યંત આવશ્યક છે. જવાબદાર પદો પર બેસીને ગેરરીતિ આચરતા અધિકારીઓ સામેના આવા કડક પગલાં કાયદાનું શાસન સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.