ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 785.7 અબજની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ
-
4 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહના આંકડા જાહેર
-
ફોરેન કરન્સી એસેટ્સ (FCA) વધીને 648.186 અબજ ડલર થઈ
-
સોનાના ભંડારના મૂલ્યમાં 2.594 અબજનો ઘટાડો નોંધાયો
સિટી ન્યુઝ @ મુંબઈ
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નીતિઓ અને પ્રોત્સાહક યોજનાઓના પરિણામે દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 04 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સતત 10મા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં જંગી વધારો નોંધાયો છે અને કુલ ફોરેક્સ રિઝર્વ વધીને 785.706 અબજ ડોલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે.
રિઝર્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી 'ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ બેંક' (FCNR-B) યોજનાને નોન-રેસિડેન્ટ ભારતીયો (NRI) તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 136 અબજ ડોલરથી વધુનું રોકાણ થયું છે. જાહેર થયેલા સાપ્તાહિક આંકડા અનુસાર, આ સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 44.903 અબજ ડોલરનો જંગી વધારો થયો છે, જ્યારે અગાઉના સપ્તાહમાં 11.48 અબજનો વધારો નોંધાયો હતો.
કુલ વિદેશી મુદ્રા ભંડારનો મુખ્ય હિસ્સો ગણાતી 'ફોરેન કરન્સી એસેટ્સ' (FCA) માં 47.494 અબજનો મોટો વધારો થઈને કુલ FCA ભંડાર 648.186 અબજ ડોલર થઈ ગયો છે. બીજી તરફ, આલોચ્ય સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં થોડું કરેક્શન આવવાને કારણે આરબીઆઈના સોનાના ભંડારના મૂલ્યમાં 2.594 અબજનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 113.816 અબજ ડોલર થયો છે.
આર્થિક સ્થિરતા અને મજબૂતી
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયેલો આ અસાધારણ વધારો ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ અને વિદેશી મુદ્રા બજારમાં વધતા વિશ્વાસનું પ્રતીક છે. RBI ની સુદૃઢ નાણાકીય નીતિઓ અને NRI રોકાણકારોના સહયોગથી દેશની વિદેશી નાણાકીય સ્થિતિ અત્યંત સુરક્ષિત સ્તરે પહોંચી ગઈ છે.