Loading Please Wait !!!
દિલ્હીમાં BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ

 

  • વડાપ્રધાન મોદી, પુતિન અને શી જિનપિંગની ઉપસ્થિતિ

  • સાંજે મહેમાન રાષ્ટ્રવડાઓ માટે ભવ્ય ભોજન સમારંભ યોજાશે

  • રવિવારે બ્રિક્સનું ઓપન સેશન અને દ્વિપક્ષીય મંત્રણાઓ થશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દિલ્હીના ભારત મંડપમ ખાતે આજથી શરૂ થઈ રહેલા BRICS શિખર સંમેલનમાં ભારત, ચીન અને રશિયા સહિત 26 દેશોના વડાઓ એક મંચ પર એકત્રિત થઈ રહ્યા છે. આ મહાસંમેલનમાં આતંકવાદ સામે સામૂહિક લડાઈ, સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNSC)ની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવા સહિત લગભગ 50 જેટલા મહત્વના મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતી થવાના સંકેતો મળી રહ્યા છે.

આજે બપોર બાદ બ્રિક્સની પ્રથમ ઔપચારિક બેઠક શરૂ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહેશે. વિશ્વની 40% વસ્તી અને બહુમતી જીડીપીનું પ્રતિનિધિત્વ કરતા આ મંચ પર વ્યાપાર, ટેકનોલોજી, માનવ સંસાધન અને પ્રાદેશિક સ્થિરતા જેવા વિષયો પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ અગાઉથી જ દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિના આગમન સાથે આજે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે.

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે સંયુક્ત ઘોષણાપત્ર અંગે હજુ થોડી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, છતાં ભારત 'ગ્લોબલ સાઉથ'ના મજબૂત અવાજ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે સાંજે તમામ મહેમાન રાષ્ટ્રવડાઓના સન્માનમાં ભવ્ય રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રવિવારે સવારથી ઓપન સેશન અને દ્વિપક્ષીય મંત્રણાઓનો દોર શરૂ થશે જે સાંજે સંમેલનની પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થશે.

વૈશ્વિક કૂટનીતિ અને ભારતનું વધતું મહત્વ

દિલ્હીમાં યોજાઈ રહેલી આ સમિટ ભારતની વધતી વૈશ્વિક કૂટનીતિક તાકાત દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સહયોગ વધારવા માટે આ મંચ અત્યંત નિર્ણાયક સાબિત થશે.

કયા કયા ક્ષેત્રમાં સહયોગ!
* આતંકવાદ સામે લડાઈ
* ટેકનોલોજી-જ્ઞાન ક્ષેત્રમાં જોડાણ
* સભ્ય દેશોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ
* વ્યાપાર વિધ્નો દુર કરવા
* એઆઈના જોખમો સામે સંયુક્ત કદમ
* વૈશ્વિક સંસ્થાઓને ફરી મજબૂત કરવી
* પ્રાદેશિક સ્થિરતા પર ભાર