Loading Please Wait !!!
અમદાવાદના વટવામાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: ₹100 માં ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, ખરીદવા લાઈનો લાગતી

 

  • વટવા ગ્રીન ચોક પાસે ઓટલા પર બેસી ₹100 માં ગાંજાની પડીકી વેચતા મોહંમદ ફૈઝાન શેખની ધરપકડ

  • ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રિક્ષામાંથી 18 ગ્રામથી વધુ મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું

  • ગાંજો સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો અમનખાન અને મોહસીન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરમાં યુવા પેઢીને નશાના રવાડે ચઢાવવાના ડ્રગ્સ માફિયાઓના કારસ્તાન સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વટવા વિસ્તારમાં જાહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹66 હજારથી વધુની કિંમતનો 215 ગ્રામ ગાંજો તથા અન્ય એક કિસ્સામાં ₹16 હજારની કિંમતનું 18 ગ્રામથી વધુ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કરીને કુલ ત્રણ શખ્સો સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.

પ્રથમ બનાવમાં વટવા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વટવા ગ્રીન ચોક નજીક ખુલ્લા મેદાન પાસે દુકાનના ઓટલા પર બેસીને ગાંજો વેચી રહેલા મોહંમદ ફૈઝાન શેખ (રહે. સૈયદવાડી, વટવા) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી 215 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ₹100 લેખે ગાંજાની પડીકીઓ વેચતો હતો અને તેને ખરીદવા યુવાનોની કતારો લાગતી હતી. આ કામ માટે મુખ્ય આરોપીઓ અમનખાન અને મોહસીન તેને રોજના ₹500 મજૂરી આપતા હતા. પોલીસે આ બંને સપ્લાયરો સામે પણ ગુનો નોંધ્યો છે.

બીજી તરફ, ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના પગલે વટવા ગામ પાસે જૈન તીર્થ માર્ગ નવા પુરા ખાતે તપાસ કરવામાં આવી હતી, જ્યાં આકાશ ચૂનારા નામના યુવકની રિક્ષામાંથી કપડામાં સંતાડેલું 18 ગ્રામ 66 મિલી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યો શખ્સ રિક્ષાચાલકને ફસાવવા માટે ડ્રગ્સ મૂકી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે બંને કેસોમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

વટવામાં ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદના વટવામાં ₹100 માં ગાંજાની પડીકી વેચતા મોહંમદ ફૈઝાન શેખને પોલીસે 215 ગ્રામ ગાંજા સાથે ઝડપ્યો છે. અન્ય એક તપાસમાં રિક્ષામાંથી ₹16 હજારનું 18 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે મુખ્ય સપ્લાયરો અમનખાન અને મોહસીન સહિત 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.