Loading Please Wait !!!
દામ્બુલામાં ભારત-શ્રીલંકા 'એ' સિરીઝમાં ભારે હોબાળો: ખેલાડીઓ વચ્ચે મારામારી

  • સુપર ઓવરના રોમાંચ વચ્ચે શ્રીલંકન ખેલાડીની ઉશ્કેરણી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સાથે હાથાપાઈ
  • વિશેન હાલમબાગે અને વૈભવ સૂર્યવંશી વચ્ચે ઉગ્ર ટકરાવ, મેચ રેફરી દ્વારા કડક કાર્યવાહી
  • ભારતીય બેટ્સમેનને ઉશ્કેરવા બદલ શ્રીલંકન ખેલાડી પર પ્રતિબંધ, નિરોશન ડિકવેલા પણ તપાસના દાયરામાં

સિટી ન્યુઝ @ દામ્બુલા

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય 'એ' સિરીઝની મેચ દરમિયાન મેદાન પર બનેલી ઘટનાએ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. સુપર ઓવરમાં શ્રીલંકાની જીત બાદ મેદાન પર ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. ભારતીય ટીમની હાર બાદ શ્રીલંકન ખેલાડી વિશેન હાલમબાગે દ્વારા ભારતીય બેટ્સમેન વિરુદ્ધ કરવામાં આવેલી ઉશ્કેરણીજનક ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ભારતનો 15 વર્ષીય યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને હાલમબાગે વચ્ચે મેદાન પર જ હાથાપાઈની સ્થિતિ પેદા થઈ ગઈ હતી.

ઘટનાક્રમ મુજબ, સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ શ્રીલંકન ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ સમયે હાલમબાગેએ વૈભવ સૂર્યવંશીની ખૂબ નજીક આવીને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં વૈભવે તેને ધક્કો મારવો પડ્યો હતો. મેદાનમાં આ વાતાવરણ ખૂબ તંગ બની ગયું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા શ્રીલંકા ક્રિકેટ (SLC) દ્વારા નિયુક્ત મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે શ્રીલંકાના સિનિયર વિકેટકીપર નિરોશન ડિકવેલાની પણ મેચ દરમિયાન જરૂરિયાત કરતા વધુ અપીલ કરવા બદલ પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ રહી કે જ્યારે વૈભવ અને હાલમબાગે વચ્ચે વિવાદ વધી રહ્યો હતો, ત્યારે ડિકવેલાએ જ વચ્ચે પડીને મામલાને વધુ બગડતો અટકાવ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટમાં ખેલદિલીના પાઠ પર સવાલો ઉભા કર્યા છે, જેના કારણે બંને દેશોના ક્રિકેટ જગતમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો નિર્ણય શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા મેદાન પર ખેલાડીઓની શિસ્ત જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. મેચ રેફરીએ હાલમબાગેને ઉશ્કેરણીજનક વર્તન બદલ અને ડિકવેલાને મેદાન પર અયોગ્ય અપીલ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોનું કડક પાલન કરાવવાની ખાતરી આપવામાં આવી છે. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓની સુરક્ષા અને મેદાન પરના વ્યવહાર અંગે બોર્ડે તપાસ સમિતિની પણ રચના કરી છે.