Loading Please Wait !!!
A-શ્રીલંકા A મેચમાં મેદાન પર હાઇ-વોલ્ટેજ ડ્રામા અને ધક્કામુક્કી

  • સુપર ઓવરમાં હાર બાદ યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • ખરાબ રોશની અને વાંધાજનક ટિપ્પણીથી મામલો ગરમાયો, અમ્પાયરના નિર્ણયથી કેપ્ટન તિલક વર્મા નારાજ
  • શ્રીલંકન ફિલ્ડરની ટિપ્પણીથી વૈભવ સૂર્યવંશી ભડક્યો, બાઉન્ડ્રી લાઇન પર અમ્પાયર સાથે તીખી દલીલો

સિટી ન્યુઝ @ નવી દિલ્લી

ઇન્ડિયા 'A' અને શ્રીલંકા 'A' વચ્ચે રમાયેલો રોમાંચક ક્રિકેટ મુકાબલો રમત કરતા મેદાન પર થયેલા હાઇ-વોલ્ટેજ ડ્રામા માટે વધુ ચર્ચામાં આવ્યો છે. સુપર ઓવરમાં ભારતીય ટીમની અત્યંત નજીવી હાર બાદ મેદાન પરનો માહોલ અચાનક ગરમાયો હતો. ભારતીય ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે તીખી બોલાચાલી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાતા ક્રિકેટનું મેદાન જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.

ખરાબ લાઇટિંગ હોવા છતાં સુપર ઓવર રમાડવામાં આવતા ભારતીય કેમ્પમાં પહેલેથી જ ભારે નારાજગી જોવા મળી રહી હતી. આ દરમિયાન શ્રીલંકા 'A' ની ટીમે સુપર ઓવર જીતીને જોરશોરથી વિજય ઉત્સવ મનાવવાનું શરૂ કર્યું હતું. આ જશ્ન દરમિયાન શ્રીલંકાના એક ફિલ્ડરે કોઈ વાંધાજનક ટિપ્પણી કરતા વૈભવ સૂર્યવંશીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ ચિંગારી સળગી ઉઠી હતી.

શ્રીલંકન ખેલાડીની ટિપ્પણીથી ભડકેલો વૈભવ સૂર્યવંશી તેની સામે ધસી ગયો હતો અને જોતજોતામાં બંને વચ્ચેની શાબ્દિક જંગ જોરદાર ધક્કામુક્કીમાં પરિણમી હતી. બીજી તરફ, ઓછી રોશની હોવા છતાં રમત ચાલુ રાખવા બદલ ભારતીય કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો પર ભારે ગુસ્સે ભરાયા હતા. તિલક વર્મા બાઉન્ડ્રી લાઇન પાસે અમ્પાયરો સાથે ખૂબ જ તીખી દલીલો કરતા જોવા મળ્યા હતા, જેના કારણે મેદાન પર પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી હતી.

ખરાબ રોશની અને અમ્પાયરનો નિર્ણય મેચ દરમિયાન ખરાબ રોશની હોવા છતાં અમ્પાયરો દ્વારા સુપર ઓવર રમાડવાનો નિર્ણય લેવાતા ભારતીય છાવણીમાં ભારે રોષ ફેલાયો હતો. કેપ્ટન તિલક વર્માએ આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી અમ્પાયરો સાથે તીખી દલીલો કરી હતી. ખરાબ લાઈટિંગ અને હારની નિરાશા વચ્ચે શ્રીલંકન ખેલાડીની ઉશ્કેરણીજનક ટિપ્પણીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને મેદાન પર ખેલાડીઓ વચ્ચે જોરદાર હંગામો અને ધક્કામુક્કી જોવા મળી હતી.