વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ: PIU કચેરી શરૂ
- રાજપીપળાથી વડોદરા સ્થળાંતરિત થઈ કચેરી, ચારેય બ્રિજનું નિર્માણ અંતિમ ચરણમાં.
- ઝીરો અવર્સમાં કરાયેલી રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રીના આદેશથી ત્વરિત કાર્યવાહી.
- વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ અને પોર ગામે બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને લઈને સંસદના ઝીરો અવર્સમાં કરવામાં આવેલી રજૂઆત હવે રંગ લાવી છે. સાંસદની આ સચોટ રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ ત્વરિત કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે વડોદરામાં નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) કચેરી હવે સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે, જે અગાઉ રાજપીપળા ખાતે કાર્યરત હતી.
વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ અને પોર ગામે નેરોગેજ બ્રિજના સ્થાને નવા બ્રિજ નિર્માણની મહત્વપૂર્ણ કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. વડોદરાથી ભરૂચ અને અંકલેશ્વર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા વિવિધ ઉદ્યોગોને કારણે સતત ચોવીસ કલાક ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાતી હતી, જેને દૂર કરવા આ બ્રિજો અત્યંત મહત્વના સાબિત થશે.
ચાલુ ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રી દ્વારા સાંસદને પત્ર લખીને આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. કચેરી વડોદરામાં શરૂ થવાથી ટ્રાફિક નિયમન અને માર્ગને લગતી અન્ય સમસ્યાઓનો ખૂબ જ ઝડપથી અને સંતોષકારક નિકાલ આવશે તેવી પ્રબળ આશા ઉદ્યોગગૃહો અને સ્થાનિક નાગરિકોમાં જાગી છે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં વડોદરા-નવસારી સેક્શનની કામગીરી પૂર્ણ થતાં જ ભારે માલવાહક વાહનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ શકશે. આ એક્સપ્રેસવેનો લાભ મળવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પરના ટ્રાફિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાહનચાલકોનો કિંમતી સમય તથા ઇંધણ બચી શકશે.
વડોદરામાં હાઈવેની PIU કચેરી શરૂ થતાં રાહત
સાંસદ ડો. હેમાંગ જોષીની રજૂઆતથી વડોદરામાં નેશનલ હાઈવે ઓથોરિટીની PIU કચેરી રાજપીપળાથી ખસેડીને શરૂ કરવામાં આવી છે. આ સાથે નેરોગેજ બ્રિજોનું કામ પૂર્ણતાના આરે હોવાથી અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનો લાભ મળવાથી હાઈવે પરનો ટ્રાફિક ભારણ ઘટશે અને વાહનચાલકોને મોટી રાહત મળશે.