ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણનો પ્રારંભ
-
સ્વતંત્રતા પર્વને ધ્યાને રાખીને નિજ મંદિરમાં ત્રિરંગા શણગાર કરાયો
-
શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાની હાજરીથી વાતાવરણ આહલાદક બન્યું
-
દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી
સિટી ન્યુઝ @ જૂનાગઢ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર ગિરનાર ક્ષેત્ર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને નિજ મંદિરમાં વિશેષ ત્રિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પવિત્ર અવસરે વિવિધ મંદિરોમાં ધૂન, ભજન તથા પ્રસાદીના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે.
ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ પણ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતા વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયું છે. જામનગર અને પાલનપુર જેવા દૂરના શહેરોમાંથી પરિવાર સાથે ભવનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ ગિરનારના કુદરતી વાતાવરણ અને ઠંડક વચ્ચે ભોળાનાથના દિવ્ય દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.
સ્થાનિક સેવાભાવીઓના જણાવ્યા મુજબ, ગિરનાર તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને અહીં દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ માસના પ્રારંભે જ વરસાદનું આગમન થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, જેના માટે મંદિર તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તંત્ર અને મંદિર વિકાસ સમિતિ દ્વારા તમામ દર્શનાર્થીઓ સરળતાથી પૂજા-પાઠ અને જળાભિષેક કરી શકે તે માટે લાઇન વ્યવસ્થા અને સુરક્ષાના કડક પ્રબંધો કરવામાં આવ્યા છે. આગામી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભવનાથ ધામમાં ભક્તિ અને આસ્થાનો આ ભવ્ય માહોલ સતત જળવાઈ રહેશે.
ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનો ત્રિરંગા શણગાર
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જૂનાગઢના ભવનાથ મંદિરમાં શિવભક્તોનું ઉમટ્યું મહેરામણ હતું. સ્વતંત્રતા પર્વને ધ્યાને રાખી મંદિરમાં વિશેષ ત્રિરંગા શણગાર કરાયો છે. ઝરમર વરસાદ વચ્ચે ગિરનારનું વાતાવરણ અત્યંત રમણીય બની ગયું છે. ભક્તોએ સ્વયંભૂ ભવનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી છે. મંદિર તંત્ર દ્વારા દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.