વડોદરામાં મગરે યુવકને ફાડી ખાધો: દેવ નદીમાં કલાકો સુધી મૃતદેહને મોઢામાં દબોચી રાખ્યો
- કાગડીપુરા ગામે પાણી લેવા ગયેલા મિથુન વસાવાનો શિકાર; મગરના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ
- ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ લાચાર બની; સવારે મગરે શિકાર છોડતા દેહ બહાર કઢાયો
- મિથુન વસાવા પર વિશાળકાય મગરનો જીવલેણ હુમલો; અન્ય મગરો પણ મૃતદેહની આસપાસ એકઠા થયા
સિટી ન્યુઝ @ વડોદરા : વડોદરાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરના હુમલાની એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દેવ નદીમાં પાણી લેવા ગયેલા મિથુન વસાવા નામના યુવકને એક વિશાળકાય મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આશ્ચર્યજનક અને ડરામણી વાત એ હતી કે મગરે યુવકનો શિકાર કર્યા બાદ કલાકો સુધી તેનો મૃતદેહ પોતાના મોઢામાં દબોચી રાખ્યો હતો અને નદીમાં સતત આટાફેરા મારતો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, મિથુન વસાવા 7 May ના રોજ બપોરે દેવ નદીના કિનારે પાણી લેવા માટે ગયો હતો. આ દરમિયાન નદીમાં ઓતરાઈને બેઠેલા મગરે અચાનક હુમલો કરી તેને પાણીમાં ગરકાવ કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, મગર મૃતદેહને લઈને વારંવાર સપાટી પર આવતો હોવા છતાં, રેસ્ક્યુ ટીમ નજીક પહોંચે તે પહેલાં જ તે ફરી ઉંડા પાણીમાં જતો રહેતો હતો. અંધારું થઈ જતાં ગત રાત્રે કામગીરી અટકાવવી પડી હતી.
આજે 8 May ની વહેલી સવારે જ્યારે ગ્રામજનો ફરીથી નદી કિનારે એકઠા થયા, ત્યારે મગરે મિથુનનો મૃતદેહ છોડી દીધો હોવાનું માલૂમ પડ્યું હતું. મૃતદેહ પાણીની સપાટી પર તરતો દેખાતા જ ગ્રામજનો હિંમતપૂર્વક નદીમાં ઉતર્યા હતા. આ સમયે અન્ય મગરો પણ મૃતદેહની આસપાસ એકઠા થવા લાગતા સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પરંતુ, ગ્રામજનોએ ડર્યા વગર મોટા અવાજે હાકોટા પાડીને મગરોને દૂર ભગાડ્યા હતા અને મિથુનના દેહને સુરક્ષિત રીતે કિનારે લાવ્યા હતા.
યુવકનો મૃતદેહ બહાર આવતા જ તેના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો. મિથુન વસાવાના અવસાનથી સમગ્ર કાગડીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાની નદીઓમાં મગરોની વધતી જતી સંખ્યા હવે માનવ જીવન માટે મોટો ખતરો બની રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોની માંગ છે કે નદી કિનારે સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા હિંસક મગરોને પકડીને અન્યત્ર ખસેડવામાં આવે. વડોદરા અને તેની આસપાસની નદીઓમાં મગરોનો વસવાટ હોવાથી નદી કાંઠે વસતા લોકો માટે રોજિંદા કામકાજ કરવા એ હવે જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. વન વિભાગ આ મામલે કોઈ કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠી છે.