Loading Please Wait !!!
અમદાવાદમાં માછલીઓના મોતનો સિલસિલો: અસારવા તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી

  • ઓક્સિજન મશીનો હોવા છતાં માછલીઓના મોત, તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
  • દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની ઉગ્ર માગ
  • તળાવમાં એરેટર મશીનો કાર્યરત હોવાના દાવા વચ્ચે અનેક માછલીઓ મરી ગઈ

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરના તળાવોમાં માછલીઓના મૃત્યુની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વસ્ત્રાલ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તળાવના પાણીમાં માછલીઓના મૃતદેહ તરતા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ માછલીઓના મૃત્યુને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે રહેવાસીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો હવે જવાબદાર અધિકારીઓ અને તળાવની દેખરેખ રાખતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

અસારવા તળાવમાં માછલીઓને જીવતદાન મળી રહે તે માટે એરેટર (ઓક્સિજન મશીનો) લગાવવામાં આવ્યા છે, જેના માટે AMC દ્વારા કોન્ટ્રાક્ટરને ભાડું પણ ચૂકવવામાં આવે છે. છતાં મશીનો કાર્યરત હોવા છતાં આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે આ હોનારત સર્જાઈ હોવાની પ્રબળ આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ સાબરમતી નદીમાં ઓક્સિજનની અછતને કારણે માછલીઓના મોતની ઘટનાઓ બની હતી, જેનાથી તંત્રની કામગીરી પર પહેલેથી જ પ્રશ્નો છે.

આ મામલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તળાવમાં પાણીનું સ્તર ઘટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, તળાવમાં લગાવેલા તમામ ઓક્સિજન મશીનો ચાલુ છે અને કેમિકલ-પાવડર ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી છે. જોકે, વરસાદના અભાવે પાણી ઘટવાને કારણે આ સ્થિતિ પેદા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી માછલીઓના મોતના અસલી કારણો જાણી શકાય.

તળાવોના સંરક્ષણ અને જાળવણી પર સવાલ

અમદાવાદના તળાવો શહેરનું ઘરેણું છે, પરંતુ તેમની યોગ્ય દેખરેખના અભાવે આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે. માછલીઓના મોત એ માત્ર પર્યાવરણીય નુકસાન નથી, પરંતુ તે પાણીની ગુણવત્તા અને તંત્રની નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે. જ્યારે કોન્ટ્રાક્ટરોને આ માટે ચૂકવણી કરવામાં આવે છે, ત્યારે તેમની ફરજ છે કે તેઓ તળાવની સ્થિતિ પર સતત નજર રાખે. તંત્રએ માત્ર તપાસના આદેશ આપવાને બદલે જવાબદારી નક્કી કરીને આવા બનાવ રોકવા માટે નક્કર પગલાં લેવા જોઈએ જેથી શહેરના પર્યાવરણને બચાવી શકાય.