Loading Please Wait !!!
અમદાવાદના નરોડા GIDC માં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા, 7 ફાયર ફાઈટરો સ્થળ પર

 

  • નરોડા જીઆઈડીસી ફેઝ-3 માં આવેલ પ્લોટ નંબર 28 ની કંપનીમાં બની આગની ઘટના

  • આગના ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં કર્મચારીઓમાં દોડધામ મચી

  • ફાયર વિભાગની 7 ગાડીઓએ તાબડતોબ પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરના નરોડા ઔદ્યોગિક વિસ્તાર (GIDC) ફેઝ-3 માં આવેલ પ્લોટ નંબર 28 સ્થિત એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ફેક્ટરી પરિસરમાંથી અચાનક વિકરાળ જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને કર્મચારીઓ તેમજ આસપાસના એકમોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

કોલ મળતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની 7 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. આસપાસ ગીચ ઔદ્યોગિક પટ્ટો હોવાના કારણે આગ બાજુની અન્ય ફેક્ટરીઓ કે ગોડાઉનમાં ન પ્રસરે તે માટે ટીમે વિશેષ તકેદારી રાખી કૂલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ દાઝ્યાના સમાચાર નથી. જોકે, આગ કયા ટેકનિકલ કારણોસર કે શોર્ટ સર્કિટથી લાગી અને તેમાં કેટલા મૂલ્યનો માલસામાન કે મશીનરી બળીને ખાખ થયા છે, તેનો ચોક્કસ તાગ સમગ્ર આગ સંપૂર્ણપણે ઠરી ગયા બાદ જ સામે આવશે.

નરોડા GIDC માં કંપનીમાં આગ

અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ-3 માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ફાયર વિભાગની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.