ગુજરાતમાં 1.14 કરોડથી વધુ લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે: સરકારી અનાજના આંકડા ચોંકાવનારા
-
છેલ્લા 5 વર્ષમાં જરૂરિયાતમંદ પરિવારોને 136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખાનું વિતરણ કરાયું
-
વર્ષ 2022-23 ની સરખામણીએ લાભાર્થી પરિવારોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો
-
ઘઉં, ચોખા અને બરછટ અનાજ પહોંચાડવા છતાં આત્મનિર્ભરતા સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં રોજગારી, વિકાસ અને ઝડપી આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના તાજેતરના આંકડાઓએ નીતિ-નિર્માતાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
સરકારી આંકડા અનુસાર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી ઘઉં, ચોખા અને બરછટ અનાજનો મોટો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. જોકે આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યની વસ્તીનો એક મોટો હિસ્સો પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે હજુ પણ સરકારી સહાય અને મફત રાશન પર સંપૂર્ણ નિર્ભર છે. રોજગારીની તકો વધવાના દાવા વચ્ચે આટલી મોટી સંખ્યામાં પરિવારોને મફત અનાજની જરૂરિયાત કેમ ઊભી થઈ રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્યમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન યોજનાના લાભાર્થી પરિવારોમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2022-23 માં અન્ન સુરક્ષા યોજનાનો લાભ 3.06 લાખ પરિવારોના 14.48 લાખ લોકોને મળ્યો હતો, જે વર્ષ 2023-24 માં વધીને 5.63 લાખ પરિવારો અને 25.43 લાખ લાભાર્થી થયો હતો. વર્ષ 2024-25 માં 7.49 લાખ પરિવારોના 34.53 લાખ લોકો અને વર્ષ 2025-26 માં આ સંખ્યા સીધી વધીને 9.20 લાખ પરિવારોના 39.65 લાખ લાભાર્થીઓ સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં લાખો મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે. માત્ર વર્ષ 2025-26 માં જ 8.76 લાખ મેટ્રિક ટન ઘઉં, 10.45 લાખ મેટ્રિક ટન ચોખા અને 0.88 લાખ મેટ્રિક ટન બરછટ અનાજ લાભાર્થીઓને વહેંચવામાં આવ્યું છે.
કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદો માટે રાહતરૂપ છે, પરંતુ વિકાસશીલ રાજ્યમાં મફત અનાજ પર નિર્ભર લોકોની સંખ્યા સતત વધવી તે રોજગારી અને આવકના સર્જનમાં રહેલી ખામીઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે. આ આંકડા ગુજરાતના આર્થિક વિકાસ અને સામાન્ય પરિવારોની વાસ્તવિક આવક વચ્ચેના અંતરને ઉજાગર કરે છે.
ગુજરાતમાં અન્ન સુરક્ષાના લાભાર્થી વધ્યા
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. 2022-23 માં 14.48 લાખ લોકો લાભાર્થી હતા, જે વધીને 2025-26 માં 39.65 લાખ થયા છે. 136 લાખ મેટ્રિક ટન અનાજ વિતરણ વચ્ચે વિકાસના દાવા અને વાસ્તવિક આર્થિક સ્થિતિ પર સવાલો ઊભા થયા છે.