વૃદ્ધાવસ્થાની ચિંતા છોડો: PFRDA એ લોન્ચ કરી નવી 'NPS સંચય' યોજના
- અસંગઠિત ક્ષેત્રના લાખો કામદારો માટે રોકાણ બનશે સરળ; 18 થી 85 વર્ષની વયના લોકો જોડાઈ શકશે
- સામાન્ય રોકાણકારો માટે સમજવામાં સરળ અને ટેકનિકલ સલાહ વગર સુરક્ષિત રોકાણની તક
- e-NPS પોર્ટલ દ્વારા ઘરે બેઠા ખાતું ખોલી શકાશે; અનુભવી ફંડ મેનેજરો સંભાળશે તમારા પૈસા.
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી: દરેક વ્યક્તિ પોતાના નિવૃત્ત જીવનની આર્થિક સુરક્ષાને લઈને ચિંતિત હોય છે. આ ચિંતાઓને દૂર કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ એક નવી નિવૃત્તિ યોજના 'NPS સંચય' શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જે ભારતના કુલ કાર્યબળના લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. PFRDA દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરી દેવામાં આવ્યો છે.
આ યોજનાનો મુખ્ય હેતુ રોકાણની જટિલતા ઘટાડવાનો છે. ઘણીવાર સામાન્ય રોકાણકારોને સ્ટાન્ડર્ડ NPS માં રોકાણના વિકલ્પો અને સંપત્તિ ફાળવણી (Asset Allocation) સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. NPS સંચય આ મૂંઝવણ દૂર કરશે અને ઓલ સિટીઝન મોડેલ હેઠળ એક સરળ ફ્રેમવર્ક પૂરું પાડશે. આ યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને માર્કેટ-લિંક્ડ છે, જે લાંબા ગાળે રોકાણકારોને સારા વળતરની અપેક્ષા પૂરી પાડે છે.
NPS સંચયમાં જોડાવાના નિયમો ખૂબ જ ઉદાર રાખવામાં આવ્યા છે. 18 થી 85 વર્ષની વય વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. રોકાણકાર પાસે માત્ર એક NPS ખાતું હોવું અનિવાર્ય છે. ખાતું ખોલવાની પ્રક્રિયા હવે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. રોકાણકારો e-NPS પોર્ટલ અથવા KFintech ના માધ્યમથી ઘરે બેઠા ઓનલાઈન ખાતું ખોલી શકે છે અથવા કોઈપણ રજિસ્ટર્ડ બેંક કે નાણાકીય સંસ્થા (PoP-SP) ની મુલાકાત લઈ શકે છે.
રોકાણના નિયમોની વાત કરીએ તો, તે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અને અટલ પેન્શન યોજના (APY) ને મળતા આવે છે. PFRDA સાથે નોંધાયેલા તમામ પેન્શન ફંડ આ યોજના હેઠળ ઉપલબ્ધ રહેશે, જે સુનિશ્ચિત કરે છે કે રોકાણકારોના પૈસા અનુભવી ફંડ મેનેજરોના હાથમાં સુરક્ષિત રહેશે. આ ઉપરાંત, ગ્રાહકોને સમયાંતરે તેમના પેન્શન ફંડ અને સંપત્તિની ફાળવણીમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે, જેથી તેઓ બજારની સ્થિતિ મુજબ નિર્ણય લઈ શકે.
ઉપાડ અને યોજનામાંથી બહાર નીકળવાના નિયમો પણ અન્ય લોકપ્રિય પેન્શન યોજનાઓ જેવા જ સરળ રાખવામાં આવ્યા છે. આ યોજના હેઠળ પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) સેવાઓ માટે સ્ટાન્ડર્ડ ફી લાગુ પડશે. PFRDA એ સ્પષ્ટ કર્યું છે કે આ નવી યોજના ભવિષ્યમાં રોકાણકારોને વધુ વિકલ્પો પૂરા પાડશે અને છેલ્લા વ્યક્તિ સુધી નાણાકીય સુરક્ષા પહોંચાડવાનું લક્ષ્ય સાદ્ધ કરશે. આમ, 'NPS સંચય' સામાન્ય માણસ માટે નિવૃત્તિ પછીનું મજબૂત આર્થિક ભાથું બની રહેશે.