ધોરણ-9 ની ગુજરાતી બુકમાં ગંભીર છબરડો: એક જ પેજ પર 16 ભૂલો ઝડપાઈ
-
પ્રો. બી. સી. રાઠોડ અને ડૉ. રક્ષાબેન દવેએ પેજ વાઇઝ ગંભીર વ્યાકરણિક ભૂલો દર્શાવી
-
પેજ નં. 32 પર ક્રિયાવિશેષણોને સર્વનામ તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો આરોપ
-
MCQ ના 4 થી 5 પ્રશ્નોમાં દર્શક વિશેષણ અને સર્વનામ વચ્ચે મોટી ભૂલ સામે આવી
સિટી ન્યુઝ @ ગાંધીનગર
24 August ના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ-9 ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં રહેલી વ્યાકરણ અને વિભાવનાઓની ગંભીર ભૂલોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાની એરણે ચડ્યો છે. વર્ષ 2016 માં છાપવામાં આવેલા આ પાઠ્યપુસ્તકના એક જ પાના પર અસંખ્ય વ્યાકરણિક ક્ષતિઓ હોવાનો ખુલાસો જાણીતા ભાષાવિદ્ ડૉ. બી. સી. રાઠોડ અને નિવૃત્ત પ્રાધ્યાપિકા ડૉ. રક્ષાબહેન દવે દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રોફેસર બી. સી. રાઠોડે જણાવ્યું હતું કે ધોરણ-9 ના ગુજરાતી પુસ્તકના પેજ નંબર 32 પર આપવામાં આવેલા એક જ કોષ્ટકમાં આશરે 16 જેટલી ગંભીર ભૂલો રહેલી છે. આ માત્ર પ્રિન્ટિંગ કે સામાન્ય જોડણીની ભૂલ નથી, પરંતુ મૂળભૂત વ્યાકરણના નિયમોનું ઉલ્લંઘન છે. તેમાં 'અત્યારે', 'હાલમાં' અને 'હમણાં' જેવા સ્પષ્ટ ક્રિયાવિશેષણોને કોઠામાં 'સર્વનામ' તરીકે દર્શાવી દેવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2017 માં જ મંડળનું ધ્યાન દોર્યું હોવા છતાં છેલ્લા 10 વર્ષથી આ ભૂલો સુધારવાની કોઈ તસદી લેવાઈ નથી.
આ ઉપરાંત પાઠ્યપુસ્તકના પેજ નંબર 33 પર આપવામાં આવેલા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ (MCQ) માં પણ 4 થી 5 જવાબો ખોટા હોવાનો આક્ષેપ કરાયો છે. 'એ મંદિર અપૂજ રહે છે' વાક્યમાં 'એ' શબ્દ દર્શક વિશેષણ હોવા છતાં પુસ્તકમાં તેને દર્શક સર્વનામ ગણાવવામાં આવ્યું છે. અગાઉ TET-TAT ની પરીક્ષામાં પણ 'મારો હંસલો નાનો ને દેવળ જૂનો થયો' પંક્તિમાં અન્યોક્તિ અલંકાર હોવા છતાં પુસ્તકના આધારે અતિશયોક્તિ ગણાવાતાં ઉમેદવારોને મોટું નુકસાન થયું હતું.
નિવૃત્ત પ્રાધ્યાપિકા ડૉ. રક્ષાબહેન દવેએ જણાવ્યું કે પાઠ્યપુસ્તકના સર્વનામના પ્રકરણમાં પુરુષવાચક, સ્વવાચક અને દર્શક સર્વનામ સિવાય દર્શાવેલા સ્થાનવાચક, સમયવાચક, રીતિવાચક અને માપવાચક સહિતના 8 પ્રકારો સર્વનામ તરીકે માન્ય નથી. આ વર્ગીકરણ તદ્દન ખોટું હોવાથી શાળાના વિદ્યાર્થીઓ ખોટું વ્યાકરણ શીખી રહ્યા છે.
પ્રોફેસર રાઠોડે ગુજરાતી ભાષાના પ્રમાણભૂત ગણાતા 'સાર્થ જોડણીકોશ' માં પણ હલંત વ્યંજનોની 500 થી વધુ અને 'કે' સંયોજક બાદ ક્રિયાપદોની 500 થી 1000 જેટલી ભૂલો હોવાનો દાવો કર્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા વિવાદો કોર્ટ સુધી પહોંચે ત્યારે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ ભોગવવું પડે છે, જેથી તંત્ર તાત્કાલિક સુધારો કરે તેવી માંગ ઊઠી છે.
ધોરણ-9 ગુજરાતી પુસ્તકના 1 પેજ પર 16 ભૂલો
ગુજરાત બોર્ડના ધોરણ-9 ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ નં. 32 પર ક્રિયાવિશેષણોને સર્વનામ બતાવાયા હોવા સહિત 16 ગંભીર વ્યાકરણિક ભૂલો પ્રોફેસરોએ શોધી કાઢી છે. MCQ માં પણ 4 થી 5 જવાબો ખોટા છે. વર્ષ 2017 માં રજૂઆત છતાં 10 વર્ષથી સુધારો ન થતાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને ખોટું શિક્ષણ મળતું હોવાનો વિવાદ સર્જાયો છે.