રાજકોટ પોલીસે 20 લાખના ‘તોડ’ માટે પાટીદાર યુવાનને મારતા તબિયત લથડી ?
- PCB સામે પિતાએ હાઈકોર્ટમાં જવા તૈયારી શરૂ: હોસ્પિટલ રિપોર્ટમાં પણ માર માર્યાનો પૉઝીટિવ રિપોર્ટ
- ક્રિકેટ સટ્ટાની ID અંગે પૂછપરછ માટે ઘરેથી ઉપાડી લીધો: નામ આપનાર બીજા યુવાન પાસેથી 5 લાખ લઈ જવા દીધો?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ક્રિકેટ સટ્ટાની કથિત ID અંગેની બાતમીના આધારે એક યુવાનને PCB દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, યુવાનના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવાન પાસેથી કોઈ સટ્ટાની ID મળી ન હોવા છતાં તેની સાથે મારપીટ અને ટોર્ચર કરવામાં આવ્યું હતું તથા રૂપિયા ૨૦ લાખની માગણી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ વિસ્તારના સ્વાતિ પાર્કમાં રહેતા કિશન નામના યુવાનને બાતમીના આધારે PCB દ્વારા લઈ જવાયો હતો. પરિવારનો આક્ષેપ છે કે, જીત નામના વ્યક્તિએ મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની ID હોવાની બાતમી આપી હતી. ત્યારબાદ કિશનને PCBમાં લઈ જઈ પૂછપરછ દરમિયાન વાહ ખેંચી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે, કિશન છેલ્લા કેટલાક દિવસથી છાતીમાં દુખાવો તેમજ કમળાની તકલીફથી પીડાતો હતો. તેમ છતાં તેને પૂછપરછ માટે લઈ જવાયો હતો. મોબાઈલમાંથી સટ્ટાની ID ન મળ્યા બાદ તેને પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હોવાનો પરિવારનો દાવો છે.
પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં કિશને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી મદદ માગી હોવા છતાં તેની વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હોવાનો પરિવારનો આક્ષેપ છે. દરમિયાન તેની તબિયત અચાનક લથડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પરિવારના જણાવ્યા પ્રમાણે, યુવાનની તબિયતમાં હજુ સંપૂર્ણ સુધારો થયો નથી અને વધુ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં પણ મારપીટ થયાનો ઉલ્લેખ હોવાનો પરિવારનો દાવો છે.
આ સમગ્ર મામલે પરિવાર દ્વારા પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો એવો પણ આરોપ છે કે, રૂપિયા નહીં આપે તો પાસા કરવાની ધમકી આપવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓની મંજૂરી હોવાની વાત કરવામાં આવી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, કિશનના પિતા પોલીસ સલાહકાર સમિતિ સાથે સંકળાયેલા છે અને કિશન પોતે વિધાનસભા-૬૭ના ભાજપના IT સેલ સાથે જોડાયેલો છે. પરિવાર લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આક્ષેપો અંગે હવે કિશનના પ્રવારે કાનૂની લડતનો નિર્ણય લીધો છે. રાજકોટ PCB પોલીસ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપના IT સેલના સભ્ય કિશનને વધુ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાશે: પિતા ભાજપના પોલીસ સલાહકાર સમિતિમાં સભ્ય છે