Loading Please Wait !!!
રક્ષાબંધન પૂર્વે ગુજરાતને ભેટ: હર્ષ સંઘવીએ 101 નવી ST બસોને લીલીઝંડી આપી

 

  • 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસો મુસાફરોની સેવામાં કાર્યરત

  • 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં 6,500 વધારાની એસટી ટ્રીપનું આયોજન

  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અંબાજી-સોમનાથ રૂટ પર સ્પેશિયલ બસો દોડશે

સિટી ન્યુઝ @ ગાંધીનગર

રક્ષાબંધનના પવિત્ર પર્વ પૂર્વે ગુજરાત સરકારે રાજ્યના મુસાફરો અને ખાસ કરીને બહેનોની સુવિધા માટે મોટી ભેટ આપી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસટી બસોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી લોન્ચ થયેલી બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 આધુનિક સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. જેમાં મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા અને આરામદાયક મુસાફરીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ 101 નવી બસોના લોકાર્પણ સાથે જ 91 બસોના રૂટ સત્તાવાર રીતે નિર્ધારિત કરી દેવાયા છે, જે પૈકી 65 નવી બસો સંપૂર્ણપણે નવા રૂટ પર દોડાવવામાં આવશે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા માટે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં આશરે 6,500 વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા ધાર્મિક યાત્રાધામોના રૂટ પર ખાસ વધારાની બસો દોડાવવામાં આવશે. મુસાફરો માટે ઓનલાઈન પોર્ટલ તેમજ સ્થાનિક ડેપો પરથી એડવાન્સ ટિકિટ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમે 6,402 એક્સ્ટ્રા ટ્રીપ ચલાવી 3.33 લાખ મુસાફરોને સેવા પૂરી પાડી હતી, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરાયો છે.

લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલે બસોનું કંકુ તિલક કરી પૂજન કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રીએ ચાલકોને બસની ચાવી અર્પણ કરી હતી. આ અવસરે એસટીની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ તહેવારના દિવસોમાં પણ 24 કલાક સતત સેવા આપતા એસટી કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એસટી બસ સામાન્ય નાગરિકો માટે પરિવહનનું સૌથી વિશ્વસનીય માધ્યમ છે. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં 101 નવી એસટી બસ

રક્ષાબંધન પૂર્વે ગાંધીનગરથી હર્ષ સંઘવીએ 101 નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું છે, જેમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર બસો સામેલ છે. તહેવારના ઘસારાને પહોંચી વળવા 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 6,500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાશે અને 65 નવા રૂટ શરૂ કરાયા છે.