ભારતને મોટો ઝટકો: રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ૧૦૦% ટેરિફ મંજૂર કરતું બિલ અમેરિકન સેનેટમાં પાસ!
-
અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા માટેનું મહત્વપૂર્ણ બિલ ભારે બહુમતીથી પાસ કર્યું છે.
-
આ બિલ સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
-
અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં પણ અમેરિકા દ્વારા ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર અને ટેરિફના મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ ઝીંકવા માટેનું મહત્વપૂર્ણ બિલ ૮૬ વિરુદ્ધ ૧૨ મતે પસાર કરી દીધું છે. સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બિલના દાયરામાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન જેવા દેશો મુખ્ય નિશાન પર આવ્યા છે. જો આ બિલ અંતિમ કાયદો બનશે તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત જેવા દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાની સત્તા મળી જશે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંઘર્ષ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ જવાના કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાર્યું હતું. અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં પણ અમેરિકાએ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેથી કુલ ટેરિફ ૫૦% થઈ ગયો હતો. હવે સેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ આગામી સપ્ટેમ્બરમાં 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' ની બેઠકમાં રજૂ થશે અને ત્યાંથી મંજૂર થઈને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બનશે. આનાથી ભારત પર આર્થિક દબાણ વધવાની પૂરી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય સંબંધો અને ઉર્જા સુરક્ષા
વૈશ્વિક રાજકારણ અને ઉર્જા બજારની બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે દેશોએ પોતાની આર્થિક અને વ્યાપારી નીતિઓમાં સંતુલન જાળવવું અત્યંત આવશ્યક બની ગયું છે.