હળવદમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી: વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને 500 રાખડી બાંધી વીરોને નમન કર્યું
-
ભવાનીનગર પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ ચૌહાણ છેલ્લા એક દાયકાથી જાળવી રહ્યા છે પરંપરા
-
બહેન-દીકરીઓ અને સીમાડાની રક્ષા કાજે ખપી ગયેલા શૂરવીરોનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચાડ્યો
-
શાળાની દીકરીઓએ પોતાના હાથે બનાવેલી 500 રાખડીઓ પાદરમાં ઊભેલા પાળિયાઓને બાંધી
સિટી ન્યુઝ @ હળવદ (મોરબી)
મોરબી જિલ્લાના 'છોટાકાશી' તરીકે જાણીતા ઐતિહાસિક નગર હળવદમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની અત્યંત અનોખી અને ભાવસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. હળવદ શહેરની ભવાનીનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ભૂતકાળમાં લોકરક્ષા કાજે વીરગતિ પામેલા શૂરવીર યોદ્ધાઓના પાળિયાઓને રાખડી બાંધીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હળવદના પાદરમાં સ્મશાનગૃહ પાસે આજે પણ અડીખમ ઊભેલા આ પાળિયાઓ સદીઓ જૂના શૌર્ય, સમર્પણ અને સર્વોચ્ચ બલિદાનની સાક્ષી પૂરે છે.
ઝાલાવાડની આ ઐતિહાસિક ધરતી પર બહેન-દીકરીઓની લાજ, સીમાડાનું રક્ષણ તેમજ ગાયોની રક્ષા માટે અનેક નરબંકાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. ભવાનીનગર પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી સતત આ અનોખી પરંપરાનું પાલન કરાવી રહ્યા છે. તેઓ રક્ષાબંધન પૂર્વે બાળકીઓને પાળિયાઓ પાસે લઈ જઈને રક્ષાબંધનના સાચા અર્થ સાથે સ્થાનિક ઇતિહાસ અને શહીદોના બલિદાનથી માહિતગાર કરે છે.
આ પ્રેરણાદાયી પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ત્યાગ, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનો છે. પાળિયાઓ શા માટે સ્થાપિત થયા અને તેમની પાછળનો ઇતિહાસ શું છે તે જાણીને દીકરીઓ પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ અનુભવે છે.
આ વર્ષે પણ શાળાની વિદ્યાર્થિનીઓએ જાતે મહેનત કરીને આશરે 500 જેટલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી. રક્ષાબંધનના દિવસે બાળકીઓએ આ રક્ષાસૂત્ર પાળિયાઓને બાંધીને વીર પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. છેલ્લા એક દાયકાથી અવિરત ચાલી રહેલી આ પ્રથા સમગ્ર પંથકમાં પ્રેરણારૂપ બની રહી છે.
હળવદમાં પાળિયાઓને 500 રાખડી બાંધી
મોરબીના હળવદમાં ભવાનીનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ગૌરક્ષા અને બહેનોની રક્ષા માટે શહીદ થયેલા વીરોના પાળિયાઓને 500 રાખડી બાંધી અનોખી રીતે રક્ષાબંધન ઉજવ્યો હતો. શિક્ષક દીપકભાઈ ચૌહાણ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ પરંપરા ચલાવી નવી પેઢીને સ્થાનિક શૌર્ય ઇતિહાસ સાથે જોડવામાં આવી રહી છે.