વડોદરાની SSG હોસ્પિટલનો ચમત્કાર: ૧ કિલોથી ઓછા વજનના ત્રિપુટી બાળકોને ૫૮ દિવસની સારવાર બાદ નવજીવન!
-
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના EMNICU વિભાગના તબીબોએ અત્યંત જટિલ કેસમાં સફળતા મેળવી.
-
૨૮ થી ૩૦ અઠવાડિયામાં જન્મેલા બાળકોનું વજન ૯૮૦, ૯૪૫ અને ૯૦૦ ગ્રામ જેટલું જ હતું.
-
ફેફસાં અ વિકસિત હોવાથી બાળકો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડાતા હતા, વેન્ટિલેટર સપોર્ટ અપાયો.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા, તા. ૨૫ વડોદરાની સૌથી મોટી સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના એક્સ્ટ્રાબ્યુરલ NICU (EMNICU) વિભાગના તબીબોએ એક અત્યંત જટિલ કેસમાં અશક્યને શક્ય બનાવી બતાવ્યું છે. અત્યંત અધૂરા મહિને જન્મેલા અને ૧ કિલોગ્રામથી પણ ઓછું વજન ધરાવતા રિંકુબેનના ત્રિપુટી બાળકોને સતત ૫૮ દિવસની સઘન અને શ્રેષ્ઠ સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ખાનગી હોસ્પિટલમાં માત્ર ૨૮ થી ૩૦ અઠવાડિયાના ગર્ભાશયના સમયગાળા બાદ જન્મેલા આ ત્રણેય બાળકોનું વજન જન્મ સમયે ખૂબ જ ઓછું હતું, જેમાં બાળક-એ નું વજન ૯૮૦ ગ્રામ, બાળક-બી નું ૯૪૫ ગ્રામ અને બાળક-સી નું માત્ર ૯૦૦ ગ્રામ હતું. બાળકોની અત્યંત નાજુક સ્થિતિને ધ્યાને રાખી જન્મના છઠ્ઠા જ કલાકે તેમને એસ.એસ.જી. હોસ્પિટલના EMNICU વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જન્મ સમયે ફેફસાં પૂર્ણપણે વિકસિત ન હોવાથી ત્રણેય બાળકો ‘રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ’થી પીડાતા હતા, જેને કારણે તબીબોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ અને CPAP મશીન પર રાખી સારવાર આપી હતી. આ ઉપરાંત આંખોની જટિલ સમસ્યા (ROP) અને લોહીના ચેપ (સેપ્સિસ) જેવી ગંભીર પરિસ્થિતિઓનો પણ સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો હતો.
તબીબી ટીમની સતત દેખરેખ અને યોગ્ય પોષણને કારણે ૫૮ દિવસ બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ ભયમુક્ત થયા છે અને તેમના વજનમાં નોંધપાત્ર વધારો થઈને બાળક એ ૧.૫૩ કિલો, બાળક બી ૧.૪૫ કિલો અને બાળક સી ૧.૨૮ કિલો વજન ધરાવતા થયા છે. આ પડકારજનક કેસ NICUના વિભાગીય વડા ડૉ. ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ડૉ. રિંકી શાહ, ડૉ. વૈશાલી ચાનપુરા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલની ઉત્કૃષ્ટ સેવાઓથી પોતાના બાળકોને નવજીવન મળતાં પરિવારે સમગ્ર તબીબી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.
તબીબી ક્ષેત્રે ગર્વરુપ સિદ્ધિ
સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ આધુનિક તબીબી સુવિધાઓ અને નિષ્ણાત ડૉક્ટરોની સૂઝબૂઝથી આજે ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓને પણ નવું જીવન મળી રહ્યું છે, જે સમગ્ર આરોગ્ય તંત્ર માટે ગર્વની બાબત છે.