Loading Please Wait !!!
ચાંદીપુરા વાયરસ સામે રાજકોટનું ‘મિશન એલર્ટ’

તંત્ર સજ્જ: મહાપાલિકા અને તબીબી સંગઠનો દ્વારા મેગા CME કાર્યક્રમ યોજાયો

આરોગ્ય અધિકારીએ ખાનગી ડોક્ટરોને અપીલ કરી કે શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ કરો

વાયરસની વહેલી ઓળખ અને સમયસર સારવાર પર અપાયું માર્ગદર્શન

ચાંદીપુરા વાયરસને નાથવા સરકારી અને ખાનગી ડોક્ટરોએ કમર કસી

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસ (CHPV) ના જોખમને પગલે આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. બાળકોમાં જોવા મળતા એક્યુટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (AES) ના સમયસર નિદાન, સારવાર અને જનજાગૃતિના હેતુથી ગત તા. ૧૭-૦૭-૨૦૨૬ના રોજ રૈયા રોડ સ્થિત પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે એક વિશેષ સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP), ફિઝિશિયન એસોસિએશન અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બાળકરોગ નિષ્ણાતો, મેડિકલ ઓફિસરો અને RMCના આરોગ્ય અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો ડો. મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી અને ડો. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નિષ્ણાતો દ્વારા રોગની વહેલી ઓળખ, દર્દીનું સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ અને સમુદાય સ્તરે અપનાવવાના નિવારક પગલાં અંગે તાજેતરની માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે IMA રાજકોટના પ્રેસિડેન્ટ ડો. તેજસ મોરી, IAP ના પ્રેસિડેન્ટ ડો. કુણાલ આહિયા અને સેક્રેટરી ડો. સાવન વામજા તેમજ ફિઝિશિયન્સ એસોસિએશન સેક્રેટરી ડો. ધ્રુવ કોટેચા સહિતના અગ્રણી હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આ વાયરસનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ અને ખાનગી તબીબો વચ્ચેના સંકલનને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ ઉપસ્થિત તમામ તબીબોને ખાસ અપીલ કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના કોઈપણ શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ તંત્રને કરવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત, બાળકોને સમયસર સારવાર મળી રહે, લોકોમાં પૂરતી જનજાગૃતિ આવે અને રોગના અસરકારક સર્વેલન્સની કામગીરીમાં તમામ ખાનગી અને સરકારી તબીબો સક્રિયપણે સહભાગી બને તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી આ બીમારીને વકરતી અટકાવી શકાય.

ગુજરાતમાં અત્યાર સુધી ૧૧ બાળકોનાં મોત

જામનગરમાં ચાંદીપુરા વાયરસનાં બે શંકાસ્પદ કેસ

પંચમહાલ અને સાબરકાંઠા બાદ હવે જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાલમાં દેવભૂમિ દ્વારકાના એક બાળક સહિત કુલ ૩ શંકાસ્પદ બાળકદર્દી સારવાર હેઠળ છે, જે તમામની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ૧૧ બાળકોનાં મોત નીપજ્યાં છે, જેમાં ૩ પોઝિટિવ અને ૮ શંકાસ્પદ બાળકોનાં મોત થયા છે. જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં અને સાબરકાંઠામાં ૧૩-૧૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.

જેમાં શહેરના વોર્ડ નંબર ૪માં આવેલા ગણપતનગર વિસ્તારનો એક વર્ષનો બાળક અને ઢીંચડા રોડ પરના રવિ પાર્ક વિસ્તારના અન્ય એક બાળકનો સમાવેશ થાય છે. આ બંને બાળકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.