ગુજરાતમાં ચોમાસું ‘ડગુમગુ’ હજુ ‘રાહ’ જુઓ !
‘ગોડઝિલા અલનીનો’નો ખતરો વરસાદ ઘટવાની નવી ચેતવણી
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં અછત અનુભવાઈ શકે છે
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલી અસામાન્ય પરિસ્થિતિઓના કારણે ‘ગોડઝિલા અલ નીનો’ જેવી સ્થિતિ વિકસી રહી છે, જે દેશના અનેક વિસ્તારો સહિત ગુજરાતના ચોમાસા પર પણ અસર કરી શકે છે. જો આ આગાહી સાચી સાબિત થાય છે, તો તેની સીધી અને અત્યંત ગંભીર અસર દેશના લાખો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી પાણી પુરવઠા પર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલા મલ્ટી-મોડેલ હવામાન નકશા અનુસાર, આ વર્ષે દેશના પશ્ચિમ-મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત માટે ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે છે. સાથે જ વરસાદ અસમાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં વરસાદની અછત અનુભવાઈ શકે છે. આ સ્થિતિ કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે ખેડૂતોનું આયોજન મોટા ભાગે સમયસર અને સંતુલિત વરસાદ પર આધારિત હોય છે.છેલ્લા કેટલાક સમયથી અલ નીનોની અસર અંગે નિષ્ણાતો સતત નજર રાખી રહ્યા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ વર્ષે અલ નીનો વધુ પ્રબળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેના કારણે ચોમાસાની ગતિ અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.નિષ્ણાતોના મતે, ‘ગોડઝિલા અલ નીનો’ તરીકે ઓળખાતી પરિસ્થિતિ સામાન્ય અલ નીનો કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે.
અગાઉ પણ વિશ્વભરમાં તેની અસર જોવા મળી હતી. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે અલ નીનોની અસર વધે ત્યારે ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની અનિશ્ચિતતા વધે છે અને કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે. પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તમાન પરિસ્થિતિએ ચિંતા વધારી છે. નિષ્ણાતો સતત આબોહવાની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવવાની શક્યતા છે. હાલ માટે હવામાન વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદથી 4ના મોત દિલ્હીમાં વરસાદ શરૂ
દિલ્હીમાં શનિવારે સવારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. ઇન્ડિગો એરલાઇન્સે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે- ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સના સમય પર અસર પડી છે. અમે હવામાન પર સતત નજર રાખી રહ્યા છીએ.મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં ૪ લોકોના મોત થયા. તેમાંથી ૩ એક જ પરિવારના હતા.યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. શનિવારે સવારે લખનઉમાં ભારે વાવાઝોડું આવ્યું, દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. આજે ૫૪ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.