Loading Please Wait !!!
માધવી પ્રોકોનને મોટી કાનૂની રાહત, 16.33 કરોડના આર્બિટ્રેશન એવોર્ડને કોર્ટની મંજૂરી

  • રાજકોટ કોમર્શિયલ કોર્ટે સરકારની અરજી ફગાવી, આર્બિટ્રેશન એવોર્ડ યથાવત્ રાખ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની માનનીય કોમર્શિયલ કોર્ટ તથા ૬મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.કે. શાહે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં માર્ગ અને મકાન વિભાગ (R&B)ના નેશનલ હાઇવે ડિવિઝન, રાજકોટ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે અને મેસર્સ માધવી પ્રોકોન પ્રા. લિ.ના પક્ષે આપવામાં આવેલા રૂ. ૧૬.૩૩ કરોડના આર્બિટ્રેશન એવોર્ડને યથાવત્ રાખ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથભાવનગર નેશનલ હાઇવે-૮Eના મજબૂતીકરણ અને સમારકામનું આશરે રૂ. ૩૦.૦૯ કરોડનું કામ માધવી પ્રોકોન પ્રા. લિ.ને સોંપવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ માર્ગને થયેલા નુકસાન અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર તથા કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ મામલો આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો. ત્રણ સભ્યોની ટેકનિકલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે બંને પક્ષોની દલીલો, ટેકનિકલ અહેવાલો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સુનાવણી પૂર્ણ કરી હતી.

ટ્રિબ્યુનલે તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ માધવી પ્રોકોનના પક્ષમાં વ્યાજ સહિત રૂ. ૧૬.૩૩ કરોડ ચૂકવવાનો એવોર્ડ આપ્યો હતો. સાથે જ સરકાર દ્વારા કરવામાં આવેલ આશરે રૂ. ૨૪ કરોડનો કાઉન્ટર ક્લેમ પણ નામંજૂર કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ કોમર્શિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે તમામ દાવા, કાઉન્ટર ક્લેમ, ટેકનિકલ અહેવાલો અને પુરાવાઓનો વિગતવાર અભ્યાસ કરીને કારણસભર એવોર્ડ આપ્યો હતો.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આર્બિટ્રેશન અને સમાધાન અધિનિયમની કલમ-૩૪ હેઠળ કોર્ટ અપીલ કોર્ટ તરીકે કાર્ય કરી શકતી નથી અને પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન પણ તેના અધિકારક્ષેત્રમાં આવતું નથી. માત્ર અન્ય સંભવિત વ્યાખ્યા હોવાના આધારે આર્બિટ્રેશન એવોર્ડ રદ કરી શકાય નહીં. કોર્ટના મતે સરકાર એ સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી કે આર્બિટ્રેશન એવોર્ડમાં કોઈ પેટન્ટ ઇલિગાલિટી, જાહેર નીતિનો ભંગ અથવા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું છે. તેમજ ટ્રિબ્યુનલે પોતાની સીમાઓ બહાર જઈ કોઈ નિર્ણય કર્યો હોવાનું પણ સાબિત થયું નથી.

આથી કોર્ટે સરકારની COMM CMA નં. ૧૮/૨૦૨૪ અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૭ના આર્બિટ્રેશન એવોર્ડને યથાવત્ રાખવાનો હુકમ કર્યો હતો. સાથે જ બંને પક્ષોને પોતાનો ખર્ચ પોતે ભોગવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ચુકાદો આર્બિટ્રેશન એવોર્ડની અંતિમતા અને કોર્ટના મર્યાદિત હસ્તક્ષેપના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. માધવી પ્રોકોન પ્રા. લિ. તરફથી શુક્લા લો સોલ્યુશન્સના સિનિયર એડવોકેટ જશુભાઈ શુક્લા, કપિલ શુક્લા, પૂજા શુક્લા, આર.ટી. જોશી, કેયુર જોશી, પ્રવીણભાઈ ત્રિવેદી, પંકજભાઈ રાવલ, કુલદીપ બરાળ અને શ્રુતિ કાવાએ દલીલો રજૂ કરી હતી.