Loading Please Wait !!!
સોમનાથમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ સોમેશ્વર પૂજા અને અન્નદાનનું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્વે અમદાવાદ ખાતે થયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોના અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન બન્યું હતું.

આ અવસરે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા ગીર સોમનાથ જિલ્લા વણિક સમાજના પ્રમુખ ઉદયભાઈ શાહ અને તેમના મિત્રવર્તુળ દ્વારા વિશેષ સોમેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમિયાન વિજયભાઈ રૂપાણી સહિત વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને ભક્તજનોએ વિજયભાઈ રૂપાણીના જાહેર જીવન, સેવાભાવ, સાદગી અને ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભગવાન સોમનાથને દિવંગત આત્માઓને ચિરશાંતિ તથા તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી.

ત્યારબાદ પ્રભાસતીર્થ સ્થિત પૂજ્ય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે તેમની સ્મૃતિમાં અન્નદાન કાર્યક્રમ યોજાયો હતો. યાત્રિકો, સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદ પીરસીને તેમની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની કાર્યશૈલી, લોકસેવા અને સંવેદનશીલ વ્યક્તિત્વ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. સોમનાથની પવિત્ર ભૂમિ પરથી અપાયેલી આ શ્રદ્ધાંજલિ ભાવુક અને સ્મરણીય બની રહી હતી.