Loading Please Wait !!!
ધૂળશિયામાં ખેડૂત આપઘાત કેસ બાદ તંત્રની કાર્યવાહી

  • મામલતદારના આદેશથી JCB વડે પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો કરાયો

સિટી ન્યૂઝ@ગોંડલ

ગોંડલ તાલુકાના ધૂળશિયા ગામે જમીનના પાણીના નિકાલ મામલે પાડોશીઓના ત્રાસથી ખેડૂતે કરેલા આપઘાતના કેસમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગોંડલ તાલુકા મામલતદારના આદેશથી આજે વિવાદિત જમીન પરથી JCBની મદદથી પાળો હટાવીને પાણીનો નિકાલ ખુલ્લો કરવામાં આવ્યો છે.

ગોંડલ તાલુકાના ધૂળશિયા ગામે આજે ૧૨ જૂનના રોજ તાલુકા મામલતદારના હુકમથી ખેતરમાં પાણીના નિકાલને રોકતો માટીનો પાળો હટાવવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા મામલતદાર સ્ટાફ, ગામના સરપંચ અશ્વિનભાઈ કુંભર અને મૃતક ખેડૂતના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિમાં JCBની મદદથી આ પાળી તોડીને પાણીનો નિકાલ ફરીથી શરૂ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જમીનમાંથી પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે ખેડૂતને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ગત ૨૧ મેના રોજ ધૂળશિયા ગામે રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ વલ્લભભાઈ ભુવાએ પોતાના જ ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાડોશીઓના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું.

મૃતક મહેન્દ્રભાઈની ખેતીની જમીનની નીચેના ભાગે તેમના જ કૌટુંબિક ભાઈઓ સુરેશભાઈ, હરેશભાઈ અને કાનજીભાઈની જમીન આવેલી છે. છેલ્લા દોઢ-બે મહિનાથી આ શખ્સોએ મહેન્દ્રભાઈના ખેતરમાંથી આવતા પાણીના નિકાલનો માર્ગ માટી નાખીને અને પાળી બાંધીને બંધ કરી દીધો હતો. આ બાબતે અગાઉ મામલતદાર સમક્ષ અરજી પણ કરવામાં આવી હતી. પાડોશીઓએ એ હદે માનસિક ત્રાસ આપ્યો કે અંતે ખેડૂતે મોતને વહાલું કરવું પડ્યું.

આ ઘટના બાદ મૃતકના નાના ભાઈ લાલજીભાઈ ભુવાએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૪ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. હાલ આ ચારેય આરોપીઓ જેલ હવાલે છે, ત્યારે આજે તંત્ર દ્વારા પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો થતાં મૃતકના પરિવારને આંશિક ન્યાય મળ્યો છે.