Loading Please Wait !!!
કોંગ્રેસનું ‘છાત્ર ગુંજ’ અભિયાન

પેપર લીક, પરીક્ષા કૌભાંડ, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સામે રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત

સીટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે છાત્ર ગુંજ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આગામી ૨૨ અને ૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને રજૂ કરવામાં આવશે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં અનેક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય પર અસર પડી છે. તેમણે જણાવ્યું કે વિવિધ ભરતી પરીક્ષાઓ ઉપરાંત NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ પણ વિવાદોમાં રહી છે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે. અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે માત્ર NEET ની તૈયારી પાછળ જ દેશભરમાં આશરે ૧.૩૨ લાખ કરોડનો ખર્ચ થાય છે, જ્યારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની કુલ ખર્ચ કેન્દ્રના શિક્ષણ બજેટ કરતા પણ વધુ છે.

પ્રેસ પરિષદમાં જણાવાયું હતું કે પરીક્ષા કૌભાંડો અને પેપર લીકના બનાવોને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની અને પરીક્ષા વ્યવસ્થામાં કાયમી સુધારા લાવવાની માંગ કરી છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, પરીક્ષા પ્રક્રિયામાં વિશ્વસનીયતા અને ભરતી કૌભાંડો સામે કડક કાર્યવાહી માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે.

22-23 જૂને રાજ્યભરના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને મળશે વાચા ; પ્રેસ કોન્ફરન્સ યોજાશે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. જિલ્લાક્ષાએ યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના અવાજને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.