ડાયાબિટીસ દર્દી કાર્બોહાઈડ્રેટ્સ વધુ લે છે પ્રોટીન ફાઈબર ઓછું
=> ખાવાનું બેલેન્સ કરો : રોગ ભાગશે
આપણા ભારતીય ઘરોમાં દાળ, રોટલી, શાક અને ભાત વગરનું ભોજન અધૂરું મનાય છે. વર્ષોથી ચાલી આવતી આ ખાણીપીણીની પરંપરા હવે ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સના મતે ચિંતાનો વિષય બની છે. ભારત પહેલેથી જ ડાયાબિટીસના દર્દીઓથી ભરેલો દેશ છે, ત્યારે એક જ થાળીમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ (જેમ કે રોટલી અને ભાત એકસાથે) ખાવાની આદત બ્લડ સુગર અને સ્થૂળતા વધારી શકે છે.
જોકે, નિષ્ણાતો એવું બિલકુલ નથી કહેતા કે તમારે રોટલી કે ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ, પરંતુ સાચી જરૂરિયાત એ છે કે તમારી થાળીમાં પ્રોટીન અને ફાઈબરનું યોગ્ય સંતુલન જાળવવામાં આવે. જયપુરની સિકે બિરલા હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન દિવ્યા જૈન સમજાવે છે કે, અસલી સમસ્યા દાળ, રોટલી કે ભાત ખાવાની નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં અને કેવી રીતે ખાઓ છો તેની છે. ભારત ડાયાબિટીસનું હબ બની રહ્યું છે, તેથી ડૉક્ટર્સ હવે આપણી ખાવાની રોજિંદી આદતો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
આજે સૌથી મોટી ભૂલ એ થઈ રહી છે કે આપણી થાળી કાર્બોહાઈડ્રેટ્સથી છલોછલ ભરેલી હોય છે, પરંતુ તેમાં પ્રોટીન અને ફાઈબર નામમાત્રના હોય છે. લોકો ૨ કે ૩ રોટલીની સાથે ભાતનો મોટો વાટકો ખાઈ લે છે. તેની સામે પનીર, દહીં, ઈંડા, માછલી, ચિકન કે દાળ જેવા પ્રોટીનયુક્ત ખોરાક બહુ ઓછા પ્રમાણમાં લેવાય છે. શાકભાજી (ફાઈબર) નો ઉપયોગ માત્ર સ્વાદ પૂરતો 'સાઈડ ડિશ' તરીકે જ થાય છે.
કોના માટે નુકસાનકારક બની શકે છે ગુજરાતી થાળી? સામાન્ય ભારતીય થાળીમાં મોટાભાગે ભાત, રોટલી, બટાકાનું શાક, દાળ અને મીઠાઈ હોય છે. આ બધી જ વસ્તુઓ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. જ્યારે તમે એક જ ભોજનમાં આટલા બધા કાર્બોહાઈડ્રેટ્સ લો છો, ત્યારે શરીર પર 'ગ્લુકોઝનો લોડ' અચાનક વધી જાય છે. જે લોકોને પહેલાથી જ પ્રિ-ડાયાબિટીસ, ડાયાબિટીસ, સ્થૂળતા (વધારે વજન), હાઈ બ્લડ પ્રેશર અથવા ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા છે, તેમના માટે આ પ્રકારની થાળી જોખમી સાબિત થઈ શકે છે.