રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત
મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિએ તુમારશાહીનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ કરી
સીટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલી જિલ્લાના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળાએ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે ફરિયાદ બુક ઉપલબ્ધ ન કરાવવાના મુદ્દે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૧ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે પ્લેટફોર્મ નંબર-૩ પર ઉભેલી વેરાવળ ડેપોની સોમનાથ-ગાંધીનગર રૂટની બસ (નંબર GJ-૧૮-Z-૮૬૦૧)ના આગળના મુખ્ય કાચમાં અનેક તિરાડો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. લાંબા અંતરની મુસાફરી કરતી આ બસ રાત્રિના સમયે પણ નેશનલ હાઈવે પર દોડતી હોવાથી તૂટેલા કાચના કારણે અકસ્માતની સંભાવના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રતાપભાઈ વાળાના જણાવ્યા મુજબ તેમણે તાત્કાલિક જૂનાગઢ વિભાગીય નિયામક અને વેરાવળ ડેપો મેનેજરને આ બાબતે જાણ કરી કાચ બદલવા રજૂઆત કરી હતી. ત્યારબાદ મુસાફરો માટે નિર્ધારિત ફરિયાદ બુકમાં નોંધ કરવા માટે રાજકોટ બસપોર્ટ ખાતે ફરજ પર રહેલા ટ્રાફિક કંટ્રોલર પાસે ફરિયાદ બુક માંગવામાં આવી હતી, પરંતુ ફરિયાદ બુક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ અંગે ડેપો મેનેજર દ્વારા પણ ફરિયાદ બુક ન આપવાની સૂચના હોવાનો જવાબ મળ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ ઘટનાને પગલે તા. ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજકોટ વિભાગીય નિયામક એમ.પી. રાજને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ બુક ન આપનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, રજૂઆત મુજબ આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થતાં મામલો તુમારશાહીનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અંતે પ્રતાપભાઈ વાળાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દે લેખિત રજૂઆત કરી તત્કાલીન ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ મુસાફરોની ફરિયાદો સાંભળવા અને તેનો યોગ્ય નિકાલ કરવા માટે નિગમ દ્વારા નક્કી કરાયેલી વ્યવસ્થાનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરી છે.